તલાળાઃ સોરઠ પંથક પાણીદાર ગણાય છે. પરંતુ ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી તલાળા અને વેરાવળ તાલુકાના ખેડુતો દ્વારા હિરણ-2 ડેમમાંથી પાણી છોડવાની માગ ઊઠી હતી. તંત્ર દ્વારા સહાનુભૂતિથી નિર્ણય લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાલુકાના 22 જેટલા ગામોને સિચાઈનું પાણી અપાતા ખેડુતોમાં ખૂશીની લહેર જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ તલાળા તાલુકાના ઉમરેઠી ગીર ગામે આવેલા હિરણ-2 ડેમમાંથી તાલાલા પંથકના માલજીજવા-ગાભા, ગીર-ઉમરેઠી, ગીર-સેમરવાવ, તથા વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ – ભેરાળા- મંડોર-પંડવા-નાખડા-બોળાશ-કુકરાશ-સવની-ઈણાજ-મોરાજ- ગોવિંદપરા સહિતના બંન્ને તાલુકાના કુલ 22 ગામોનાં ખેડુતોને ઉનાળું ફસલ માટે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. હિરણ-2 ડેમ પાણી વિતરણ સમિતિના સભ્ય અને ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકીએ આપેલી વિગત પ્રમાણે હિરણ-2 ડેમ ઉપર આવેલા ડેમની બંન્ને કેનાલ વિસ્તારોમાં આવતા તાલાલા- વેરાવળ તાલુકાના 22 ગામના ખેડુતોને અડદ, મગ, તલ, બાજરી અને કેસર કેરીના બગીચા સહિત ઉનાળું વાવેતર માટે ડેમમાંથી આઠ પાણી આપવા સ્થાનિક ખેડુતોની પાણી વિતરણ સમિતિએ માંગણી કરી હતી. જેના અંતર્ગત સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ખેડુતોની માંગણી પ્રમાણે 22 ગામના ખેડુતોની કુલ 525 હેક્ટર જમીનમાં ખેતરે ખેતરે કેનાલ વાટે ખેડૂતોની માંગણી મુજબ સમયસર અને સરળતાથી પાણીનું વિતરણ કરતા ખેડુતોના ખેતરમાં મબલખ ઉનાળું ફસલ તૈયાર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હિરણ-2 ડેમમાંથી ખેડૂતોને ઉનાળું ફસલ માટે આઠ પાણ આપવાનાં હતાં, સિંચાઇ વિભાગે સમયસર આપેલા પાણીનો ખેડૂતોએ કરકસર રીતે ઉપયોગ કરતા સાત પાણીમાં ઉનાળું ફસલ તૈયાર થઈ ગઈ છે, જેથી ડેમના પાણીના જથ્થામાં ખેડુતોનું આઠમું પાણી જમા હોય, ખેડૂતોનું બાકી એક પાણી મગફળીના ઓરવણા માટે આપવા કરેલી માંગણીની સિંચાઇ વિભાગમાં વિચારણા ચાલી રહી છે.