રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ 20 ક્લોના રૂ.1605 મળતા ખેડુતો ખૂશખૂશાલ
રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પડધરી તેમજ લોધીકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કપાસનો મણ દીઠનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેઈટ રૂ.1605એ પહોંચ્યો છે.
જિનર્સ, સ્પિનર્સ અને ડેનિમ કંપનીઓની લગાતાર ખરીદીના કારણે સારી ગુણવત્તાના કપાસનો ભાવ સતત ઉપર જઈ રહ્યો છે. અને સારા ભાવ મળતા હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, કપાસમાં ચાલુ સીઝનમાં ખુબ સારા ભાવ ઉપજી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં જ છેલ્લા 11 વર્ષના ઉંચા ભાવના તમામ રેકોર્ડબ્રેક થઈ ગયા છે. સીઝનમાં સતત ત્રીજી વખત કપાસના ઉંચા ભાવની સપાટી ટોચ ઉપર પહોંચી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ કહ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં ખેડૂતોને કપાસના ખુબ સારા ભાવ ઉપજતા હોય ખેડૂતો રાજકોટ યાર્ડમાં જ કપાસ વેચવાના આગ્રહી રહ્યા છે, કપાસના સારા ભાવ મળતા હોવાથી આ વર્ષે કપાસના વાવેતરમાં પણ વધારો થયો છે. ગત વર્ષે મગફળીનું વાવેતર વધારે હતું પણ આ વર્ષે ખેડુતો કપાસના વાવેતર તરફ આકર્ષાયા છે.