Site icon Revoi.in

ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂવારે 20 કિલો મગફળીનો ભાવ 1500થી 1916 રૂપિયા બોલાયો હતો. ગોંડલ ઉપરાંત રાજકોટ, ભાવનગર સહિત માર્કેટ યાર્ડમાં પણ ઉનાળું મગફળીની આવક શરૂ થઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ઊંઝા અને ડીસા  માર્કેટ યાર્ડમાં ઉનાળું મગફળીની આવક શરૂ થઈ છે. ડીસા માર્કેટયાર્ડમાં  4.50 લાખ મગફળીની બોરીની આવક થઈ છે.હાલમાં ખેડૂતોને મગફળીના પ્રતિ મણે 1,782 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પહેલીવાર આ ભાવ જોવા મળ્યો છે. ઉનાળું મગફળીના મણના 1916 રૂપિયા ભાવ બોલાયો હતો. ભાવનગર, મોરબી, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટમાં આવી રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડમાં 5થી 7 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. જો હજુ પણ વરસાદ પડશે તો પણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાકને કોઈ નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બધો જ પાક છાપરાની નીચે ઉતારવામાં આવે છે. ત્યારે ખેડૂતોને તેનો જોઈતો ભાવ મળી જતા ખેડૂતોના ચહેરા પર એક અલગ જ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ઉત્તર ગુજરાતના ડીસા માર્કેટયાર્ડ ઊંઝા બાદ બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે.ઊંઝા માર્કેટ યાર્ડમાં  જિલ્લા સહિત રાજસ્થાનમાંથી ખેડૂતો ઉનાળુ પાક મગફળી વેચવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં  4.50 લાખ મગફળીની બોરીની આવક થઈ છે. હાલમાં ખેડૂતોને મગફળીના પ્રતિ મણે 1,782 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનથી ખેડૂતો ડીસા માર્કેટ યાર્ડમાં વેચવા આવતા માર્કેટ યાર્ડ મગફળી પાકથી ઉભરાઈ ગયું છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળી પાકનો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.માર્કેટ યાર્ડમાં લગભગ 4.50 લાખથી વધુ મગફળી પાકની બોરીની આવક થઈ છે.