બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે. તાલુકાના ઝીંઝાવદર, ઈશ્વરિયા, નીંગાળા, અલમપર સહિતના 12 ગામોના ખેડુતોએ પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવા માટે સિંચાઈ વિભાગને રજુઆત કરી છે.
બોટાદ શાખા નીચે આવતા ગઢડા (સ્વા.) તાલુકા સહિતના અનેક ગામોમાં નર્મદા કેનાલ હસ્તકના ગામોને દર વર્ષે 15 જૂનથી સિંચાઇ માટે આપવામાં આવતુ પાણી આ વખતે નહિ અપાતા કપરી પરિસ્થિતિ સર્જાઈ હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યાર સુધી રહેલા થોડા પાણીથી ઉગાડેલો કપાસ, મગફળી અને માલઢોર માટેનો ચારો વગેરે સુકાવાની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા કેનાલનુ પાણી આવતા ઉપરોકત વિસ્તારોમાં સારો લાભ મળ્યો છે. આ મુદ્દે આ વિસ્તારના ખેડુતોના કહેવા મુજબ નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓને રજુઆત કરતા ઉદ્ધત જવાબો આપી સૂચના નથી અને પહેલા પિયત માટે પૈસા ભરો પછી વિચારાશે એવા જવાબો આપવામાં આવે છે. ત્યારે બધા ખેડૂતો નિયમ મુજબ પિયાવો ભરવા તૈયાર હોવા છતા અધિકારીઓ મનસ્વી રીતે વર્તન કરી રહ્યા હોવાનુ અને ખેડૂતોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.
ગઢડા તાલુકામાં નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી આપવામાં નહિ આવે તો ગઢડા તાલુકાના નીંગાળાથી નીચેના ગામો ઝીંઝાવદર, ઇશ્વરિયા, નિંગાળા, અલમપર, રામણકા, વડોદ, કાળાતળાવ, દરેડ, દુદાધાર, ઉજળવાવ, દડવા, હળીયાદ વિગેરે ગામોના ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જશે અને પાણી છોડવામાં નહિ આવે તો ખેડુતોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી સિંચાઈ વિભાગને આપવામાં આવી છે.