અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વિપુલ પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નર્મદા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠાના સરહદી પંથક થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણીના પ્રવાહમાં ઘટાડો જોવા મળતાં ખેડુત વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ પંથકમાંથી નર્મદા પસાર થાય છે. રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય નહેરમાં એકાદ મહિનાથી એકાએક પ્રવાહમાં ઘટાડો જોવા મળતાં ખેડુતો ચિંતામાં મકાયા છે. ખેડુતોના જણાવ્યા અનુસાર, ઉનાળામાં પાણીની જરૂર વધારે પડે છે. દરમિયાન સરકાર દ્વારા ઉનાળુ પિયત માટે પાણી આપવાની જાહેરાત કરવામાં આવતાં ખેડુતોએ તૈયારી કરીને રાખી છે. પરંતુ મુખ્યકેનાલમાંથી પાણી ઓછું થવાના કારણે સામે ઉનાળે ખેડુતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. જ્યારે આ અંગે કેનાલવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ધીમેધીમે આગળથી પાણીનો પ્રવાહ વધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજ્યભરમાં નર્મદા કેનાલો તૈયાર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જળાશયો અને તળાવોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવી રહ્યાં છે. જેથી ઉનાળામાં ગરમીના દિવસોમાં સૌરાષ્ટ્રની જનતાને પાણીની વિકટ સમસ્યાનો સામનો ન કરવો પડે.