Site icon Revoi.in

ગુજરાતના ખેડુતો હવે એફ-સી જાતના લેઈઝ ચીપ્સ માટે બટાકાની ખેતી કરી શકશે

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો ઠોકનારી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સામે હારી ગઈ છે અને તેનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઇન ઇન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી કંપનીને જોરદાર લપડાક આપી છે. હવે બટાકાની FC-5 નામની જાત પરના કંપનીના અધિકારો સમાપ્ત થયા છે અને ખેડૂતાનો હક સર્વોપરી સ્થાપિત કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીપ્સ અને ઠંડાપીણા બનાવતી એક મલ્ટી નેશનલ કંપનીએ દાવો હતો કે પોતાની લેઈઝ ચીપ્સ માટે તેણે બટાકાની આ જાતના બિયારણની પેટન્ટ કરાવેલી છે માટે આ બિયારણના ઉપયોગનો તેને જ અધિકાર છે. અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીએ વર્ષ 2019માં વડાલી તાલુકાના ચાર ખેડૂતોનુ સ્ટીંગ ઓપરેશન કરી પ્રતિ ખેડૂત 1.05 કરોડ લેખે કોમર્શિયલ કોર્ટમાં કુલ 4.20 કરોડ રૂપિયામાં દાવો કર્યો હતો. જોકે ખેડૂતોનું શોષણ અને ખેડૂતો પર ધાક જમાવવાની પ્રવૃત્તિની દેશમાં અને આંતર રાષ્ટ્રીય સ્તરે ટીકા થતાં કંપનીએ દાવો પાછો ખેચી લીધો હતો પણ બીજ અધિકાર પોતાની પાસે રાખ્યા હતા. જેના પગલે ફાર્મર એક્ટીવીસ્ટોએ દિલ્હીની પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફોર્મર્સ રાઇટ ઓથોરિટી ઇન ઇન્ડીયા સમક્ષ  કંપનીનું FC-5 નામની બટાકાની જાતનું રજીસ્ટ્રેશન રદ કરવા અરજી કરી હતી. આ મામલે ખેડૂતોએ દાવો કર્યો હતો કે બીજના અધિકારો અંગે કાયદામાં કાયમી નિવેડો લાવવામાં આવેલો છે અને બ્રીડરના અધિકારની ઉપરવટ ખેડૂતોના અધિકાર સ્થાપિત કરવામાં આવ્યા છે. 30  મહિનાની લડત બાદ દિલ્હી સ્થિત ઓથોરિટીએ FC-5 નોંધણી રદ કરવા 79 પાનાનું ખેડૂત તરફી જજમેન્ટ આપતા કંપનીના તે જાત પરના બૌધ્ધિક અધિકારો સમગ્ર દેશમાં રદ થઇ ગયા છે.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ 2018માં અરવલ્લી જિલ્લાના 4 ખેડૂતો પર કંપનીએ રૂ. 20 લાખના વળતરનો દાવો કર્યો હતો. ખેડૂતોએ કિસાન યુનીયનોનો સંપર્ક કર્યા બાદ મોડાસા ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલતો દાવો કંપનીએ વિડ્રો કર્યો હતો ત્યારબાદ એક જ વર્ષ બાદ વર્ષ 2019માં વડાલી તાલુકાના ત્રણ ગામના ચાર ખેડૂતો પર પ્રત્યેક ખેડૂત દીઠ રૂ. 1.05 કરોડ લેખે કુલ રૂ. 4.20 કરોડનો વળતરનો કોમર્શીયલ કોર્ટમાં દાવો કર્યો હતો. જોકે આ દાવો થતા કંપનીની ઇમેજ ખરડાઇ હતી અને સ્થાનિક તેમજ આંતર રાષ્ટ્રીય દબાણ વધતાં કોર્ટની 26/04/18ની મુદતમાં  કંપનીએ ખેડૂતો માફી માગે તો કેસ વીડ્રો કરવા ઓફર કરી હતી પરંતુ ખેડૂતોએ ઇન્કાર કરતા બે – ત્રણ સપ્તાહમાં કંપનીએ  કેસ બિનશરતી વીડ્રો કર્યો હતો. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં ખેડૂતોની સાથે રહેનારા ફાર્મર એક્ટીવીસ્ટ કવિતા કુરુગંતી અને કપિલ શાહે જૂન – 2019માં પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફોર્મર્સ રાઇટ ઓથોરિટી સમક્ષ એફસી-5 ની રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ખામીઓ, અધિકારનો દૂરૂપયોગ, ખેડૂતોને થતી હેરાન ગતિ વગેરે બાબતો રજૂ કરી FC-5 ની નોંધણી રદ કરવા અરજી કરી હતી.