રાજુલા પંથકમાં તાઉતૈ વાવાઝોડા બાદ હજુ પણ વીજ ફિડરો કાર્યરત ન કરાતા ખેડુતોને મુશ્કેલી
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ હજુ સુધી અનેક ખેતીવાડી ફિડરોમાં વીજળી આપવામાં આવી નહીં હોવાથી, ખેડૂતો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજુલા વિસ્તારમાં તાજેતરમાં જ વીજપોલ ઊભા કરવામાં આવ્યા હતા. પણ થોડા વરસાદમાં જ રામપરા- ભેરાઇ વચ્ચે વીજપોલ પડી ગયા છે અને હજુ સુધી લાઇટ આપવામાં આવેલ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ તાઉતૈ વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલાના કાંઠા વિસ્તારના ગામોને સારૂએવું નુકશાન થયું હતું. અનેક વિજ પોલ ધરાશાયી થયા હતા. ત્યારબાદ સરકારે ત્વરિત કામગીરી કરીને વિજ પોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરી હતી. પણ કોઈને કોઈ કારણે કામગીરીમાં વિલંબ થતો હતો. વીજ પોલ ઊભા કર્યા પણ ટ્રાન્સફોર્મર્સની અછતને કારણે ખેડુતોને વીજળી પુરવઠો આપી શકાયો નહતો. અને ખેડુતો વીજ પુરવઠાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંજ થોડા દિવસ પહેલા પડેલા વરસાદને કારણે રામપુરા અને ભેરાઈ વચ્ચે વીજ પોલ ધરાશાયી બન્યા હતા. હજુ સુધી હિંડોરણા ફીડર, જોતાપુર ફીડર વિગેરેમાં લાઇટ આપવામાં આવી નથી. ત્યાં તો ફરીવાર વીજપોલ ધરાશાઇ થઇ ગયા છે. સરકાર દ્વારા ખેતીવાડી ફીડરોમાં લાઇટ અપાઇ ગયેલ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. આ અંગે વીજતંત્ર તાત્કાલીક યોગ્ય કરે અને ખેતીવાડી વિસ્તારોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવે તેવી માગ નાગભાઇ વણઝર દ્વારા કરવામાં આવી છે. ( file photo)