અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર અને કચ્છમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાના બાબરા, લાઠી, લીલીયા, બગસરા, ચિતલ ગામમાં વરસાદ થયો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. થોડા સમય પહેલા જ ખેડૂતોએ કપાસિયા ખેતરોમાં સોંપી દીધા હતા. ત્યારે ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.
મેઘરાજાનું જિલ્લામાં આવમન થતાં જ ખેડૂતો ખુશ થઈ ગયા હતા. લીલીયા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ થતા લીલીયાની નાવલી નદીમાં પુર આવ્યું હતું. તો બાબરાના ચરખા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા ચરખા, ચમારડી રસ્તો બંધ થઈ ગયો હતો. બાબરાના ઘૂઘરાળા ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું પરંતુ એક મોટરસાયકલ સવારનું મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાયુ હતું. જો કે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. જિલ્લામાં વરસાદ આવવાથી ખેડૂતોમાં રાહત થઈ છે.જો વરસાદ હજુ ખેંચાત તો જે ખેડૂતોએ ખેતરોમાં કપાસિયા સોપિયા હતા તે બળી જાત. પરંતુ મેઘરાજાએ હેત વાર્તાવવતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.
સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે શહેરનાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ શહેરમાં ભારે પવનના કારણે ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. બપોર સુધી ધોમધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ધેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.