સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતોએ સારા ભાવ મળવાની આશાએ 4 લાખ હેક્ટર જમીનમાં કર્યું કપાસનું વાવેતર
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સારોએવો વરસાદ પડ્યો છે. જિલ્લામાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરૂ કરી દીધી હતી. જિલ્લામાં તા. 8ઓગસ્ટ સુધીમાં સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે. તેની સામે ખેડૂતોએ 92 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં 6,24,546 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી દર વર્ષે સામાન્ય રીતે 5 થી 5.50 લાખ હેકટર જમીનમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં જિલ્લાની 5,75,562 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. જેમાંથી 4,00,119 હેકટર જમીનમાં મુખ્ય પાક એવા કપાસનું વાવેતર થયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું આ વાવેતર તા. 4 ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતોએ કપાસના સારા ભાવ મળવાની આશાએ કપાસનું સારૂએવું વાવેતર કર્યુ છે. તાજેતરમાં રાજ્ય સરકારના એગ્રીકલ્ચર, ફામર્સ વેલ્ફેર એન્ડ કો.ઓપરેશન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં રાજ્યભરમાં 25,04,400 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. જેમાંથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 18,02,400 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. આ 11 જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયુ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર 4,00,119 હેકટર સુધી પહોંચ્યુ છે. કપાસના વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો પ્રથમ નંબરે છે. તાલુકાના ખેડૂતોએ 75,240 હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે. જિલ્લામાં કપાસના ભાવ એક સમયે પ્રતિ મણ 700થી 800 સુધી તળીયે પહોંચી ગયા હતા. ત્યાર બાદ કપાસના ભાવ 1000થી 1100 થયા હતા. જ્યારે ગત વર્ષે માર્કેટીંગ યાર્ડોમાં કપાસનો ભાવ પ્રતિ મણ 1500થી 1600 થયો હતો. આથી કપાસના સારા ભાવ મળતા ખેડૂતોએ કપાસનું વિક્રમી વાવેતર કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો મુખ્ય પાક કપાસની સાથે સાથે ખેતરની અમુક જગ્યામાં કઠોળનું પણ વાવેતર કરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1656 હેકટરમાં મગનું વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ મૂળી તાલુકામાં 440 હેકટરમાં મગ વવાયા છે. જ્યારે 2717 હેકટરમાં અડદનું વાવેતર પણ ખેડૂતોએ હોંશભેર કર્યું છે. અડદના વાવેતરમાં લખતર તાલુકો મોખરે છે. લખતર તાલુકાના ખેડૂતોએ 1660 હેક્ટરમાં અડદનું વાવેતર કર્યું છે. જિલ્લાના મૂળી, સાયલા, થાન, ધ્રાંગધ્રા તાલુકાઓ કે, જ્યાં પથરાળ અને મગફળીના વાવેતરને અનુકુળ જમીન આવેલી છે. ત્યાંના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 21,174 હેકટરમાં મગફળીનું વાવેતર થઇ ચૂક્યુ છે. જેમાં સૌથી વધુ મૂળી તાલુકામાં 6137 હેક્ટરમાં ખેડૂતોએ મગફળી વાવી છે. જિલ્લામાં આ વર્ષે કપાસનું વિક્રમી વાવેતર થયુ છે. જિલ્લામાં તા. 6 ઓગસ્ટ સુધી કપાસનું થયેલુ 4,00,119 હેકટરમાં વાવેતર રાજ્યમાં પ્રથમ નંબરે છે. ત્યારે કપાસના હબ ગણાતા ઝાલાવાડમાં ટેકસટાઇલ પાર્ક સ્થાપવા જિલ્લાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સરકારમાં રજૂઆતો કરી રહ્યાં છે.