દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી
નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલિમ આપવામાં આવી રહી છે. સરકારના પ્રયાસોને પગલે હાલની સ્થિતિએ 60 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.
દેશમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 2014માં 12 લાખ હેકટર હતો તેમાં હવે વધારો થઇને કુલ 59 લાખ હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં કુદરતી ખેતીને વધુ પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
દેશમાં આવેલા કેટલાંક કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકોને કુદરતી ખેતીની તાલીમ ખેડૂતોને આપવા પ્રશિક્ષણ અપાયું છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા દેશમાં જંતુનાશકનો વપરાશ ઘટયો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં પણ વણી લેવામાં આવી રહ્યો છે.
મોદી સરકાર ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કિસાન સહાય નીધિ સહિત વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ખેડૂતોને મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. કિસાન સહાય નીતિ હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ. 2000ની રકમનો 14 હપ્તો ચુકવવામાં આવ્યો છે. ખેડૂતોને દર વર્ષે રૂ. 6 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે.