સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-લખતર વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે નર્મદાનું પાણી ન મળતા કોંગ્રેસના કાર્યકરો તેમજ ધારાસભ્ય નૌશાદ સોંલકી સહિત ખેડૂતોએ માલવણ હાઇવે ચક્કાજામ કરી હલ્લાબોલ મચાવ્યો હતો. આથી બજાણા, પાટડી, દસાડા અને ઝીંઝુવાડા પોલીસે ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતોની ટીંગાટોળી કરી અટક કરી હતી. જોકે, મોડેથી તમામને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીનો હલ્લાબોલ સાથે ઘેરાવ કરવાની ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને તેમાં પણ સૂકાભઠ્ઠ ગણાતા એવા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે. ખાસ કરીને દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામો સુધી નર્મદાના નીર પહોંચી ગયા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતું દસાડા-લખતર વિધાનસભા વિસ્તારની તમામ કેનાલો હાલમાં સૂકીભઠ્ઠ છે. દસાડા લખતર સહિતના વિવિધ વિસ્તારોના ખેડૂતોએ હાલમાં બીટી કપાસનું વાવેતર કરેલું છે. આથી ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. દસાડા-લખતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને આગામી 30મી મે સુધી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો માલવણ-વિરમગામ હાઇવે ચક્કાજામ કરવાની લેખિત ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમ છતાં 30 તારીખે પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નહોતું. જેથી ધારાસભ્ય સહિત ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો.
દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોંલકી, વિક્રમ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશ રથવી, લાલા પટેલ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેંતિ રાઠોડ, કોંગ્રેસ કિશાન મોરચાના પ્રમુખ અશોક પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ આજુબાજુના ગામના સરપંચો અને ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચારો અને હલ્લાબોલ સાથે વિરમગામ-માલવણ-ધ્રાંગધ્રા હાઇવે ચક્કજામ કર્યો હતો.
આ દરમિયાન બજાણા, પાટડી, દસાડા અને ઝીંઝુવાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો મળી 50થી વધુ લોકોની ટીંગાટોળી કરી અટક કરી હતી. જોકે, મોડેથી છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીનો હલ્લાબોલ સાથે ઘેરાવ કરવાની ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચિમકી ઉચ્ચારી હતી.