દીયોદરમાં ભાજપના ધારાસભ્યના સમર્થકે ખેડુતને થપ્પડ મારતા તેના વિરોધમાં ખેડુતોની પદયાત્રા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં તાજેતરમાં યોજાયેલા અટલ-ભૂજળના એક કાર્યક્રમમાં એક ખેડુતે કોઈ પ્રશ્ન પૂછતા ધારાસભ્યના સમર્થકે ખેડુતને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે રાજકોરણ પણ ગરમાયું છે. દરમિયાન ખેડુતોએ ભાજપના ધારાસભ્યના રાજીનામાંની માગ કરી છે. અને ખેડુતોને પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. પદયાત્રા ગાંધીનગર જશે. જ્યાં મુખ્યમંત્રીને રજુઆત કરીને ધારાસભ્ય સામે પગલાં લેવાની માગણી કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી અને ખેડૂતનેતા પાલ આંબલિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ દિયોદરના સણાદરથી પદયાત્રા શરૂ કરી છે, જે આઠ દિવસ ચાલીને 18મી ઓગસ્ટે ગાંધીનગર પહોંચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા હતા.
દીયોદરમાં યોજાયેલા અટલ ભૂજળના કાર્યક્રમમાં ખેડૂત આગોવાનને જાહેરમાં થપ્પડ મારતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે, જેને લઇને 8મી ઓગસ્ટે 5 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીએ એકઠા થયા હતા અને પ્રાંત કચેરીમાં ધરણાં કરીને રજૂઆત કરી હતી. ગુરૂવારે વહેલી સવારે ખેડૂતોની સણાદરના અંબાજી મંદિરે બેઠક મળી હતી. બેઠકમાં ગાંધીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે દિયોદરના સણાદરથી ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી અને ખેડૂતનેતા પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઇને જોડાયા છે, જેમનું ગામેગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ગામેગામથી ખેડૂતો આ પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. આ યાત્રા 18મી ઓગસ્ટે ગાંધીનગર પહોંચીને સીએમ ઓફિસમાં રજૂઆત કરશે.
આ મામલે ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડુત પર અત્યાચાર કરવામાં આવ્યો છે. અમારા ધારાસભ્યએ એક વ્યક્તિને ઉશ્કેરીને અમારા પર હુમલો કરાવ્યો હતો. એના અનુસંધાને અમે મુખ્યમંત્રીને આવેદન આપવા જઇ રહ્યા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. મુખ્યમંત્રી ધારાસભ્યનું રાજીનામું લે એ જ અમારી માગણી છે. ખેડૂતનેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે આ સરકાર છાશવારે ખેડૂતોના અવાજ દબાવાનો પ્રયત્નો કરે છે. જ્યારે જ્યારે ખેડૂત આગેવાનોએ કોઈ ને કોઈ વાત ઉઠાવી છે, પોતાના હકની માગ કરી છે ત્યારે ત્યારે દબાવવાનો પ્રયત્ન થયો છે.
આ મામલે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કહ્યું હતું કે કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો હતો, એમાં કંઈ થયું જ નથી. પાછળથી કંઈ થયું હોય તો મને ખબર નથી. જ્યારે તેમના પર આક્ષેપ થતો હોવાની વાત કરી તો તેમણે કહ્યું, તે નેતા થવા નીકળ્યા છે એટલે આક્ષેપ કરે છે.