નવી દિલ્હી: ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરવા જઈ રહેલા ખેડૂતોને પોલીસે નોઈડામાં રોકી લીધા છે. મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાના દલિત પ્રેરણા સ્થળની નજીક આ ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે. અહીં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેને કારણે ભીષણ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે પોલીસે અહીંના રુટ્સને પહેલા જ ડાયવર્ટ કરી દીધો હતો. ક્રેન, બુલ઼ડોઝર, વજ્ર વાહન અને ડ્રોન કેમેરાથી નજર રખાય રહી હતી. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબો જામ લાગી ગયો છે. ઘણાં રુટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા. જેથી લોકોને થોડી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાઓને વધારી દેવામાં આવી છે. પોલીસ સતત કેડૂતો સાથે વાત કરી રહી છે. જેથી તેઓ પોતાનું પ્રદર્શન રોકે.
ખેડૂતોના દેખાવો પહેલા કલમ-144 હેઠળ 5થી વધુ લોકો એકસાથે જમા થાય નહીં, ધાર્મિક અને રાજકીય સહીત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર રોક છે. ટ્રાફિક પોલીસે દાદરી, તિલપતા, સૂરજપુર, સિરસા, રામપુર-ફતેહપુર અને ગ્રેટર નોઈડાના અન્ય માર્ગો પર ડાયવર્ઝન બાબતે લોકોને સાવધ કર્યા છે.
ગૌતમબુદ્ધ નગરના એસીપી લૉ એન્ડ ઓર્ડર શિવહરિ મીણાએ કહ્યુ છે કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં સેક્શન 144 લાગુ કરી દેવામાં આવી છે. તમામ બોર્ડરોને 24 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ ફોર્સની તહેનાતી કરવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે તેઓ સતત ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે. નોઈડા આવનારા તમામ વાહનોનું ચેકિંગ પણ કરાય રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે ખેડૂત સંગઠન 2023થી નોઈડા અને ગ્રેટર નોઈડા વિકાસ ઓથોરિટી દ્વારા અધિગ્રહીત પોતાની જમીનોના બદલામાં વધેલા વળતર અને ભૂખંડ આપવાની માગણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સમૂહોને પોતાની માંગને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીએ ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી. 8 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે ઓથોરિટી દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લેવાય રહી નથી. કિસાન સભાના જિલ્લા અધ્યક્ષ રુપેશ વર્માએ કહ્યુ છે કે ગૌતમબુદ્ધ નગરમાં ત્રણેય ઓથોરિટીમાં ખેડૂતોની મુશ્કેલીઓના મુદ્દા એક જેવા છે. 10 ટકા આવાસીય ભૂખંડના મુદ્દા ત્રણેય ઓથોરિટીઝના બોર્ડની બેઠકમાંથી પાસ થઈને શાસનની મંજૂરી માટે વિલંબિત છે. કિસાન નેતા સુનીલ ફૌજીએ એલાન કર્યું છે કે અન્ય તમામ સંગઠનોને જોડીને આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સામેલ કરવામાં આવશે.