Site icon Revoi.in

ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજ પુરવઠો ન અપાતા રવિ પાકના વાવેતરને ફટકો પડશેઃ મોઢવાડિયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વીજળી કાપની કોઈ સમસ્યા નથી એવું MGVCLના એમડીએ દાવો કર્યો છે ત્યારે કોંગ્રેસે ખેડુતોને સતત આઠ કલાક પણ વીજ પુરવઠો મળતો ન હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ ખેડૂતો ઉપર થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારને ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાવેતરના સમયે વીજ કાપ થોપી બેસાડી રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને પરેશાન કરી રહી છે. ખેડૂતો રવિ સિઝનના વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોને દિવસે વીજળી આપવાના દિવા સ્વપ્નો દેખાડી રહેલી રાજ્યની ભાજપ સરકારે કૃષિ વિષયક વીજળીમાં મોટો કાપ મુકીને ખેડૂતોના મોઢાનો કોળીયો છીનવી લેવાનું પુરું આયોજન કર્યું છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં  વીજળીના અભાવે પિયત ના થતા ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી. જો સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શકે તેમ છે. એકબાજુ સરકારે ચોમાસુ સિઝન નિષ્ફળ જવા છતાં ખેડૂતોને ‘મુખ્યમંત્રી કિસાન સહાય’ યોજના અંતર્ગત એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. એવામાં હવે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાશે. ખેડૂતો પાસેથી પુરું લાઈટ બીલ વસૂલવામાં આવતું હોવા છતાં નિર્ધારીત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક વીજળી આપી ખેડૂતોને ડામ આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનિયમિત સમયના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. ઉપરાંત વારંવાર વીજ કટ થતો હોવાથી ટ્યુબવેલની મોટર પણ બળી જતા ખેડૂત મિત્રોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, જે રીતે ભાજપ સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે, તે અસહ્ય છે, મારી રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ વિનંતી છે કે ખેડૂતો પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો ખેડૂતોને સાથે રાખી આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.