ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે 17 ગામોના 1500થી વધુ ખેડૂતો ભેગા થઈને ટી.પી.સ્કીમનો વિરોધ પ્રદર્શન કર્યો હતો, હાલ, પાંચ ગામો અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહાદેવપરા ટીંબો પૂરતી ટી.પી.સ્કીમ લાગુ પાડી છે. સાથે 5 ગામના લોકો બહોળી સંખ્યામાં મણાર ખાતે ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે ભેગા થયાં હતા, જો આગામી દિવસોમાં ટી.પી.સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોના કહેવા મુજબ આ વિસ્તારમાં ખેડૂતોની જમીન ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સીઝનનો પાક લેવામાં આવે છે, ટી. પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ પરંતુ અહીંના ખેડૂતોની જમીન ફળદ્રુપ અને શેત્રુજી કેનાલનું પાણી મળતું હોવાથી જમીન સારી છે.
અલંગ વિસ્તાર વિકાસ સતામંડળએ ગત.16-10-2020 ના રોજ ટી.પી.સ્કીમનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવમાં જમીન કપાત 40 ટકા નિયત કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડુતોની રજુઆત બાદ ત્રણેય સૂચિત ટી.પી.સ્કીમમાં જમની કપાતના ધોરણ 30 ટકા કર્યા હતા, પણ આ વિસ્તારના ખેડુતો ટી.પી.સ્કીમ માટે સહમત થયા નથી. ત્યારબાદ સર્વાનુમતે ઠરાવ નામંજુર કરાયો હતો. હવે સરકાર દ્વારા ફરીવાર ટી.પી સ્કીમ મૂકવામાં આવી છે જેનો 17 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સૂચિત ટીપી સ્કીમમાં સોસિયા, જસપરા, માંડવા, ભારપરા, મથાવડા કંટાળા, નવાગામ, કુકુંડ, ગરીબપરા, પાંચ પીપળા, છનીયાળા, ભાખલ ગામનો પણ સમાવેશ કરાતા આ ગામના લોકો પણ વિરોધ કરી રહ્યા છે.