પ્રાકૃતિક કૃષિથી નવી ક્રાંતિ સર્જવા ગુજરાતના ખેડૂતો દેશભરને પ્રેરણા પૂરી પાડશે: રાજ્યપાલ
અમદાવાદઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પરિયોજના દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતની સમૃઘ્ઘિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. ખેડૂત અને કૃષિને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ લાભદાયી છે. રાજયપાલજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિની ગુલામમાંથી આઝાદી મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ મજબૂત વિકલ્પ છે.
રાજયપાલજીએ જણાવ્યું હતું કે, દેશના પીએમ નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોઘ કર્યો હતો. જે સંદર્ભ ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજય સરકારે જન અભિયાન ઉપાડયું છે. સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર કર્યો છે. એ જ રીતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સીટી પણ કાર્યરત થઇ છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિની નૂતન ક્રાંતિ માટે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણા પૂરી પાડશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ માટે દેશનું મોડેલ સ્ટેટ બનશે.
તેમણે જણાવ્યું હતું કે, દેશના પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. તેમના સંકલ્પની સિધ્ધિ માટે ગુજરાતે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડયું છે. આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત બન્યું છે. ગ્લોબલ વાર્મિગની વૈશ્વિક સમસ્યા પાછળ પ્રાકૃતિક કૃષિનો 24 ટકા ફાળો છે, તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે જળ- જમીન અને પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંઘાધુંઘ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે. તેના કારણે જમીનની ફળદ્રપતા સતત ઘટતી રહેવાના કારણે જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો- જંતુનાશકોને કારણે દુષિત ખાધ્યાનની આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવા અસાઘ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્વપતા ઘટવાથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને કૃષિ ખર્ચ સતત વઘી રહ્યો છે. સરવાળે ખેડૂતની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાધાન્નની જરૂરિયાતને ઘ્યાને લઇને હરિતક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી. પરંતુ હવે, રાસયાણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે તેના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.
રાજયપાલજીએ ગુરૂકુળ કુરુક્ષેત્રમાં 200 એકર ભૂમિમાં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવી ઉપસ્થિત ખેડૂતો સાથે સીઘો સંવાદ કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન-પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન- સંવર્ઘન થાય છે. પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીવત હોવાથી અને ઉત્પાદન ઘટતું નહી હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન વઘે છે. અને જમીન ફળદ્રપ બને છે.
રાજયપાલજીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને ખેતીની સમૃઘ્ઘિ માટે આશીર્વાદરૂપ જણાવી આ કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો વિશે પણ સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રનો ઉપયોગ મહત્વનો છે, કારણ કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે. ગૌ –મૂત્ર, ખનીજોનો ભંડાર છે. જેના ભાગરૂપે બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત – ઘન જીવામૃત રૂપે કલ્ચર તૈયાર કરવામાં આવે છે. જે પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે.
આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવાની- મલ્ચીંગ પધ્ધતિનું પણ મહત્વ છે. મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનુંવાતાવરણ મળે છે. એટલું જ નહી મલ્ચીંગથી નીંદામણની સમસ્યાનો પણ હલ થાય છે. આ ઉપરાંત આ પધ્ધતિમાં માટીના કણો વચ્ચે પૂરતા પ્રમાણમાં હવા અને પાણીના મિશ્રણની જાળવણી કરવાથી વાપ્સાનું નિર્માણ થાય છે. આ કૃષિ પધ્ધતિમાં મિશ્રપાકનું મહત્વ હોવાનું રાજયપાલજીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આર્ગેનિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ નથી બનતા, આર્ગેનિક કૃષિમાં વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે પણ પ્રમાણમાં વઘુ ખર્ચ થાય છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી અને ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતમાં કૃષિ ઉત્પાદન ઘટવાથી આ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી નથી. જયારે પ્રાકૃતિક કૃષિમાં અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે માટીમાં રહેલા ખનીજોને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેના શોષણ દ્વારા છોડ પોષણ મેળવે છે. ઉત્પાદન વઘે છે. જમીનના સૂક્ષ્મ જીવો હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. નીંદામણની સમસ્યા હલ થાય છે. અને કૃષિ ઉત્પાદન ઘટતું નથી. જેથી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે અત્યંત લાભદાયી છે.
રાજયપાલજીએ અળસિયાં જેવા જીવોને ખેડૂતો માટે મિત્ર જીવ ગણાવી ઉમેર્યું હતું કે, અળસિયા જમીનમાં અસંખ્ય છીદ્રો બનાવે છે. જેનાથી જમીન નરમ બને છે. આ છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતરવાથી પ્રાકૃતિક રીતે જળસંચય થાય છે.
આવા મિત્ર જીવો અને સૂક્ષ્મજીવોની પ્રાકૃતિક કૃષિથી વૃદ્ધિ થાય છે. જયારે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી તેનો નાશ થાય છે. રાજયપાલજીએ પ્રાકૃતિક કૃષિને પ્રકૃતિના નિયમનુસાર કરવામાં આવતી ખેતી ગણાવી હતી.
રાજયપાલજી જણાવ્યું હતું કે,રાસયાણિક કૃષિને કારણે કેન્દ્ર સરકારને સબસીડી પાછળ અઢી લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. પ્રાકૃતિક કૃષિને કારણે આ નાણાંની બચત થશે. તેમણે ફેમિલી ર્ડાકટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા પ્રગતિશીલ ખેડૂતોને અનુરોઘ કર્યો હતો.