Site icon Revoi.in

‘ભારતમાલા’ હાઈવે પ્રોજેક્ટનો કલોલ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ, જામળા ગામમાં સભા યોજાઈ

Social Share

ગાંધીનગરઃ  જિલ્લાના ગામડાઓમાંથી પસાર થતાં અને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનનારા એક્સપ્રેસ હાઈવેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની જમીનો આ એક્સપ્રેસ હાઈવેમાં જઈ રહી છે. તેનો ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલોક તાલુકાના જામળા ગામે તાજેતરમાં ખેડૂતોની સભા મળી હતી. જેમાં ખેડૂતોએ મક્કમ સ્વરે પોતાની જમીન નહીં આપવાના નિર્ણય સાથે જરૂર પડે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય પણ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનનારા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન સામે ખેડુતો વિરોધ કરી રહ્યા છે. અને જમીન ન આપવા અંગે ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે, આ વિસ્તારના ખેડૂતો સીમાંત છે. અને તેમની પાસે નજીવી જમીન છે. જો હાઈવેના કામમાં છીનવાઈ જશે તો ખેડુતો નિરાધાર બની જશે. જેને લઈને ગતરોજ જામળા ગામે અસરગ્રસ્ત ખેડૂતોની એક સભા યોજાઈ હતી. જેમાં 350થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, , કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા રોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ રોડ કલોલ પંથકના કેટલાક ગામડાઓમાંથી પસાર થવાનો છે અને તેમાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવશે. જેથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઈવેનો વિરોધ કરવા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વેડા – હિંમતપુરા ખેડૂત સંગઠન ઠરાવ સમિતિ પણ બનાવવામાં આવી છે. જેના નેજા હેઠળ ખેડૂતો દ્વારા ભારતમાલા રોડ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો કોઈપણ ભોગે પોતાની જમીન નહીં આપે તેવી જાહેરાત કરી છે.

ખેડુતોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લાની જમીનો ગ્રીન બેલ્ટ ખેતી ઉપજાઉ જમીન તરીકે ઓળખાય છે અને ખેડૂતો આ જમીનમાં વર્ષમાં ત્રણ પાક લેતા હોય છે. ખેડૂતોની આજીવિકા આ જમીન છે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની કિંમતી જમીન સંપાદન કરવાના કારણે અનેક ખેડૂતો ખેડૂત તરીકે મટી જવા જેવી સ્થિતિ ઉભી થાય તેમ છે અને ખેડૂતોની આજીવિકાનું માધ્યમ કાયમી માટે નીકળી જાય તેમ છે. જેને લઈને કલોલના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. (file photo)