ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ છે. જો કેનાલમાં તાત્કાલિક પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને વાવેતરમાં મોટું નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી મોલને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ રજુઆત કરી છે.
મોરબી જિલ્લાના કેટલાક તાલુકામાં ચોમાસા દરમિયાન વધુ વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને તેથી ઘણા ખેડૂતોએ પાછોતરું વાવેતર કર્યું હતુ. નર્મદાની કેનાલમાંથી પાણી મળશે તેવી ખેડૂતોને અપેક્ષા હતી. જો કે, હાલમાં કેનાલમાંથી સિચાઈનું પાણી આવતું નથી. ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. અને જો કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો નુકશાનીના ખાડામાં ઉતારી જશે તે નિશ્ચિત છે. નર્મદાની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ પાણી છોડવાની ખેડુતો માગણી કરી રહ્યા છે. ત્યારે કેનાલો કોરી પડેલી છે. તો પણ અહીના રાજનેતાઓ અને અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે. અને આ ત્રણેય કેનાલમાં સિંચાઇ માટેનું પાણી આવતું નથી. જો કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડુતો મુશ્કેલીમાં મુકાશે. કારણ કે, ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે તે હકિકત છે. નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંન્ચ કેનાલમાં બ્રાહ્મણી ડેમ સુધી આવે છે. અને ત્યાંથી મોરબીના ભરતનગર સુધી પાણી આપવામાં આવે છે. જો કે, હજુ સુધી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોચવાની વાત તો દુર રહી કેનાલના પાણી કેનાલના છેવાડા સુધી પણ આવતું નથી. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો, આ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતો હેરાન થઈ જશે, હાલમાં અધિકારી કે રાજકીય નેતાઓ તરફથી ખેડૂતોને સંતોષકારક જવાબ મળતા નથી. ત્યારે પાણી કેનાલમાં છોડાશે કે કેમ ? તે સવાલ છે.