દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી આપીને સશક્ત અને ક્ષમતાવાન કર્યા છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને લૂંટમાંથી બચાવ્યા છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળી છે. તેમ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું.
ડિજિટાઈઝેશન મારફતે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય હવે સીધી ખેડૂતો સુધી પહોંચી રહી છે, જેના કારણે ખેડૂતોને વેપાર કરવાની નવી તકો ઉપલબ્ધ થઈ છે અને તેઓ તેનો લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોદી સરકારે બિયારણથી લઈને બજાર સુધીનો નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે, જેમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન એક ચમત્કાર સાબિત થયું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મિશને ખેડૂતોની પરિસ્થિતિઓ અને જીવનધોરણમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઈ-નામ મંડી સાથે દેશભરમાં 1.74 કરોડથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને ઈ-નામ દ્વારા 2.36 લાખ વ્યવસાયો નોંધાયા છે, જેના દ્વારા 2.22 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના 11.37 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે અને આ યોજના દ્વારા આ ખેડૂતોના ખાતામાં 2.16 લાખ કરોડ રૂપિયા સીધા જમા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ડિજિટલ ક્રાંતિ પછી ખેડૂતોને પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ઘણો ફાયદો થયો છે.તેમણે જણાવ્યું કે સેટેલાઇટ દ્વારા ખેડૂતોના પાકની કાળજી લેવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2021-22માં આ યોજના માટે 16 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને 2016 થી 2022 સુધીમાં આ યોજનામાં 38 કરોડ ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી અને 1,28,522 કરોડથી વધુ દાવાઓ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે 25,185 કરોડ રૂપિયા ખેડૂતો દ્વારા વીમા પ્રિમિયમ તરીકે આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ખેડૂત ઉત્પાદક સંગઠન હેઠળ 3,855 થી વધુ એફપીઓ નોંધાયેલા છે, સોઇલ હેલ્થ કાર્ડ હેઠળ 22.71 કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને દેશભરમાં 11531 પરીક્ષણ પ્રયોગશાળાઓને મંજૂરી આપવામાં આવી છે.