1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક કૃષિથી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાજ્યપાલ
પ્રાકૃતિક કૃષિથી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિથી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાજ્યપાલ

0
Social Share
  • બનાસકાંઠા જિલ્લાના થરાદ- લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો,
  • થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સહિયારા પ્રયાસ કરીએ,
  • રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર

 ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, નકળંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ અભિયાન અને પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

બનાસકાંઠા ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે.

તેમણે કુરુક્ષેત્ર સ્થિત પોતાના ખેતરમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું કે, તેમણે પોતે આ ખેતી 200 એકર જમીનમાં અપનાવીને ધરતી માતાને ફળદ્રુપ બનાવી છે. ઉત્પાદનમાં વધારાની સાથે દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, તેઓ પ્રથમ ખેડૂત છે અને પછી રાજ્યપાલ છે. થરાદની ધરતી પર ખેડૂતો સાથે પોતાનાપણું અનુભવી રહ્યો છું. તેમણે જણાવ્યું કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. થરાદ પંથકની સ્વચ્છતા અને સુઘડતા જોઈને ધન્યતા અનુભવી રહ્યો છું. તેમણે ખેડૂતોને રાસાયણિક, જૈવિક અને પ્રાકૃતિક ખેતીનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાસાયણિક એટલે કે ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે વિદેશી અળસિયા થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો. આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહયોગ આપવા તેમણે જણાવ્યું હતું.

રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલએ કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત્ વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા,  તોફાન, અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરહદી વિસ્તાર સુધી આજે પ્રાકૃતિક કૃષિ પહોંચી છે તેનો શ્રેય હું રાજ્યપાલને આપું છું. દેશની નામાંકિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠે પણ પ્રાકૃતિક ખેતીની કામગીરીને ઉપાડી છે, જે અભિનંદનને પાત્ર છે. મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પને ગૂજરાત વિદ્યાપીઠે અક્ષરસઃ સાર્થક કરી છે. ગાંધીજીના વિચારોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના તમામ ક્ષેત્રે અમલમાં મુક્યા છે. પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે. રાજ્યપાલના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code