Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લામાં નદીઓ પર વધુ ચેક ડેમ બનાવીને ભૂગર્ભ જળ ઊંચા લાવવા ખેડૂતોની રજુઆત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં દર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે. ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે બનાસ સહિત નદીઓ પર વધુને વધુ ચેક ડેમ બનાવવામાં આવે તેમજ હાલ બનાસનદીમાં પાણી છોડવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે. કાંકરેજ સહિતના વિસ્તાર ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં પાણી છોડવાની માંગ તેમજ ચેકડેમ બનાવી ભૂગર્ભ જળ ઊંચા લાવવાની માંગ સાથે કાંકરેજ સહિતના વિસ્તાર ખેડૂતો પાલનપુર પહોંચ્યા અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર જિલ્લો છે જોકે જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે જેને લઇ ખેડુતોની તકલીફ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી છોડવાની તેમજ નદી વિસ્તારમાં ઠેરઠેર ચેકડેમ બનાવવાની માંગ સાથે કાંકરેજ વિસ્તાર સહિત બનાસ નદીના પટ નજીક આવેલા વિસ્તારના ખેડુતો પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ત્વરિત માંગ ઉકેલવા રજૂઆત કરી છે

ખેડુતોએ જણાવ્યું હતું કે  તાજેતરમાં સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે અને દાંતીવાડા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક પણ થઈ છે. જોકે ડેમમાંથી કેનાલ દ્વારા છોડાતું પાણી સીધું પાટણ જિલ્લાના વિસ્તારોમાં મળી રહ્યું છે.ત્યારે જો બનાસ નદી વિસ્તારમાં ચેકડેમ બનાવવામાં આવે અને દાંતીવાડા ડેમનું પાણી 50 ટકા  કેનાલમાં અને 50 ટકા નદીમાં છોડવામાં આવે તો તે ચેકડેમ થકી નદીના પટ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના તળ ઉંચા આવી શકે તેવી સ્થિતિ છે. જેને લઇ પાણીની સમસ્યાથી હાહાકાર પોકારી ઉઠેલા ખેડુતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અને વહેલી તકે બનાસ નદીમાં પાણી છોડવા તેમજ નદી વિસ્તારમાં ચેકડેમ બનાવવા રજુઆત કરી છે.