Site icon Revoi.in

ભારતમાલ પ્રોજેકટ અંતર્ગત જમીન દસ્તાવેજોમાં પડેલી કાચી નોંધ રદ કરવા ખેડુતોની રજુઆત

Social Share

ગાંધીનગરઃ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાઈવે બનાવવા માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડુતોની કિંમતી જમીન સંપાદિત કરવાની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે માણસા અને કલોલ તાલુકાના જાહેરનામાને રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ખેડુતોના જમીના દસ્તાવેજોમાં પાડેલી કાચી નોંધ પણ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડુતોની રોજીરોટીનો સવાલ હોવાથી તાકિદે કાચી નોંધ રદ કરવાનો આદેશ કરાય તેવા આશાવાદ સાથે ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ કલેક્ટરને રજુઆત કરી હતી.

કેન્દ્ર સરકારના નેશનલ હાઇવે ઓથોરીટી વિભાગ દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. હાઈવે માટે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડુતોની કિંમતી જમીન સંપાદિત કરવાની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.હાલ ગાંધીનગર જિલ્લાના ગામોની ખેડુતોની જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાતંત્ર દ્વારા ખેડુતોના ખેતરના દસ્તાવેજોમાં કાચી નોંધ પણ કરી દેવામાં આવી છે. જોકે ભારતમાલા પ્રોજેક્ટ યોજનાથી ખેડુતોની ફળદ્રુપ અને વર્ષમાં ત્રણ પાક આપતી જમીનને મફતના ભાવમાં ભારતમાલા પ્રોજેક્ટમાં લઇ લેવાની કવાયત હાથ ધરતા ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટથી ખેડુતોની રોજી-રોટી છીનવાઇ જવાની સાથે સાથે આર્થિક રીતે પણ પાયમાલ થઇ જવાથી પ્રોજેક્ટનો અસરગ્રસ્ત ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.