Site icon Revoi.in

કડીમાં કોટન માર્કેટના મુહૂર્તના પ્રથમ દિવસે ડાંગરની હરાજી બંધ કરાતા ખેડુતોનો વિરોધ

Social Share

મહેસાણાઃ કડી કોટન માર્કેટમાં મુહૂર્તના પ્રથમ દિવસે જ વેપારીઓની મનમાની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો.

કડીના છત્રાલ રોડ ઉપર આવેલા કોટન માર્કેટની બહાર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. કડી માર્કેટના વેપારીઓની મનમાની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. દિવાળીના મીની વેકેશન બાદ માર્કેટ યાર્ડમાં ખેડુતો પોતાની કૃષિ ઉપજ વેચવા માટે આવ્યા હતા. જ્યાં વેપારીઓ દ્વારા અચાનક જ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા હતા. અને કોટન માર્કેટની બહાર ખેડૂતો રોડ ઉપર બેસી ગયા હતા અને હોબાળો કર્યો હતો.

દિવાળીના તહેવારમાં મીની વેકેશન બાદ કડી યાર્ડમાં ધમધમતું થયુ છે. અને મોટી સંખ્યામાં ખેડુતો ખરીફ પાક વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે ઘણા ખેડુતો ટ્રેકટર- ટેમ્પામાં ડાંગર ભરીવે વેચવા માટે આવ્યા હતા. દરમિયાન યાર્ડમાં આવ્યા બાદ વેપારીઓએ એકાએક ડાંગરની હરાજી બંધ કરી દીધી હતી. મુહૂર્તના પ્રથમ દિવસે 400થી પણ વધુ વાહનો ડાંગર લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. જ્યાં અચાનક જ વેપારીઓ દ્વારા ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હાઇવે ચક્કાજામ કર્યો હતો.

વેપારીઓ દ્વારા ટ્રેક્ટર શેડની નીચે લઈને આવવાનું ખેડૂતોને કહેવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને આ મંજૂર ન હતું અને અચાનક જ વેપારીઓ દ્વારા હરાજી બંધ કરી ઓફિસમાં બેસી જતા અચાનક જ ખેડૂતો કોટન માર્કેટ યાર્ડની બહાર આવી પહોંચ્યા હતા અને હાઇવે ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહારની અવરજવર બંધ થઈ જતા પોલીસ પણ આવી પહોંચી હતી.