નવી દિલ્હીઃ નોઈડા-ગ્રેટર નોઈડા અને ઉત્તર પ્રદેશના યમુના ઓથોરિટી વિસ્તારના ખેડૂતો વળતરમાં વધારાની તેમની માંગ પર અડગ છે. આ દરમિયાન પોલીસે અનેક ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત પોલીસે દેખાવકારો કરી રહેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કર્યો છે. પોલીસે દલિત પ્રેરણા સ્થળ પર આંદોલન કરી રહેલા 700 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે. દરેકની અટકાયત કરીને સૂરજપુર સ્થિત પોલીસ લાઈનમાં લઈ જવામાં આવ્યાનું જાણવા મળે છે. પોલીસની આ કાર્યવાહી બાદ સ્થિતિ તંગ બની ગઈ છે.
અગાઉ વિરોધ કરી રહેલા ખેડૂત સુખબીર ખલીફાએ તેમની માંગણીઓ અંગે જણાવ્યું હતું કે, અમારો વિરોધ 10 ટકા વિકસિત પ્લોટ અને 2013ના જમીન સંપાદન કાયદાને લાગુ કરવાનો છે જે બનાવવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગરના ખેડૂતોને ચાર ગણું વળતર આપવામાં આવતું નથી. છેલ્લા 10 વર્ષમાં એક વખત પણ સર્કલ રેટમાં વધારો થયો નથી અને જમીન લૂંટવાનો મોટો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોને જમીનના પૈસા આપવામાં આવતા નથી. આ તમામનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે પ્રદર્શનને લઈને ઘણા પ્લાન છે. અમે 25 નવેમ્બરે ગ્રેટર નોઈડામાં, 28 નવેમ્બરે યમુનામાં અને 2 ડિસેમ્બરથી અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અત્યારે સત્તાધિકારી, વહીવટીતંત્ર અને અધિકારીઓ કહે છે કે અમે તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું. તેથી અમે અહીં થોડો વિરામ લઈ રહ્યા છીએ.