દિલ્હી:પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના નેતા જગદીપ ધનખડને ભાજપે શાસક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે.
પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ ધનખડ વિનમ્રતા માટે ઓળખાય છે.તેઓ બંધારણના જાણકાર છે. તેમને કાયદાઓનું પૂરેપૂરું જ્ઞાાન છે.તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે રાજ્યસભાના સભાપતિ તરીકે દેશને આગળ વધારવાના આશયથી તેઓ ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.
જાણો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડ વિશે
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ રાજસ્થાનના શેખાવાટી અંચલના ઝુંઝુનૂં જિલ્લાના એક સુદૂર ગામ કિઠાનાના રહેવાસી છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખડનુ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢમાં શાળાનું શિક્ષણ થયું. ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક કર્યા બાદ જગદીપ ધનખડે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક થયા અને વકીલની પ્રેક્ટિસ શરૂ કરી.જગદીપ ધનખડ રાજસ્થાનના જ નહીં, દેશના અગ્રણી વકીલ રહ્યા છે.
બાર કાઉન્સિલ ઓફ રાજસ્થાનના વિભિન્ન પદ પર રહેનાર ધનખડએ વર્ષ 1989માં રાજકારણમાં પ્રવેશ કર્યો. પહેલીવાર ઝુંઝુનૂં લોકસભા ક્ષેત્રના ભાજપના સાંસદ નિયુક્ત થયા.1990માં તેઓ દેશના સંસદીય કાર્ય રાજ્યમંત્રી બન્યા.જે બાદ અજમેર જિલ્લાના કિશનગઢથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા. ભાજપે વર્ષ 2019માં જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.
જાટ સમાજથી આવનારા ધનખડના બે ભાઈ છે, જેમાંથી એક કોંગ્રેસના નેતા છે, જ્યારે બીજા બિઝનેસ મેન છે.વર્તમાન સમયમાં જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. 2019માં બીજેપીએ તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વિવાદ રહ્યા. ગયા મહિને ઉદયપુરના પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ જગદીપ ધનખડ સામેલ થયા અને તેમણે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળમાં કાયદાનુ નહીં, શાસકનુ રાજ છે.