જામનગરઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે. છેલ્લા મહિનાથી ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા ખેડુતો માગણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં તો ખેડુતોએ પ્રદર્શન પણ કર્યું હતું. ગોંડલ યાર્ડમાં પણ ખેડુતોએ હરાજી બંધ કરાવી હતી. હાલ ખેડુતો ડુંગળીને પાણીના ભાવે વેચી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ 20 કિલોના રૂપિયા 35ના ભાવે વેચાતા ખેડુતો રડી પડ્યા હતા. જોકે સારી ક્વોલીટીની ડુંગળીના ભાવ 330 સુધી બોલાયા હતા.
હાપા માર્કેટ યાર્ડમાં જણસીની આવક સતત થઈ રહી છે. ખેડૂતોને અજમા, અને મગફળીના સારા ભાવ મળ્યા હતા.જ્યારે ડુંગળીના ભાવે ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળીના 35 રૂપિયાથી લઈને 330 રૂપિયા બોલાયા હતા. ખેડૂતને એક કિલો ડુંગળીના 20 રૂપિયા પણ મળતા નથી. તેમજ નીચા ભાવ બે રૂપિયા પણ મળ્યા ન હતા. ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ પણ નીકળ્યા ન હતો.
હાપા યાર્ડમાં કપાસના ભાવ 1500 રૂપિયા આસપાસ રહ્યા હતા. આ ભાવ હજુ પણ 1500 રૂપિયા જ છે. ખર્ચના પ્રમાણમાં ખૂબ ઓછા હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. યાર્ડમાં 15 ,703 મણ કપાસની આવક થઈ હતી. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને 1000થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે યાર્ડમાં લાલ સુકા મરચાની 705 મણ આવક થઈ હતી. બીજી તરફ ખેડૂતોને મરચાંના ભાવ સારા મળી રહ્યા છે. મરચાંના ભાવ ખેડૂતોને 1400 રૂપિયાથી લઈને 3700 રૂપિયા મણના મળ્યા હતા. આ લાલ મરચાંના ભાવ ખેડૂતોને પૂરતા મળી રહ્યાં હોવાથી રાજી છે. જ્યારે લસણના ભાવ પહેલેથી જ ખેડૂતોને સારા એવા મળી રહ્યાં છે. લસણના ભાવ ખેડૂતોને મણના 3500 આસપાસ મણ મળી રહ્યા છે.
હાપા માર્કેટ યાર્ડમાં. 6,219 મણ લસણની આવક થઈ હતી. લસણના ભાવ 1200 રૂપિયાથી લઈને 3500 રૂપિયા મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ડુંગળીની ઢગલા મોઢે આવક થતા ભાવ સાવ તળિયે બેસી ગયા છે. ડુંગળીના ભાવ માર્કેટ યાર્ડમાં 35 રૂપિયાથી લઈને 330 રૂપિયા જ મળ્યા હતા. યાર્ડમાં 50 જેટલા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક લઈને આવ્યા હતા અને નિરાશા સાથે પરત ફર્યા હતા. યાર્ડમાં ડુંગળીની 1600 મણ આવક થઈ છે.