ઉપલેટામાં ખેડૂતો પરેશાન: રવિ પાકમાં આવી ગયા વિવિધ પ્રકારના રોગ
- રવિ પાકમાં આવ્યો ભયંકર રોગચાળો
- ગરો, મોલો, મચ્છીગરો,ચરમી જેવા વિવિધ રોગ
- ખેડૂતોની ચિંતામાં થયો એકાએક વધારો
ઉપલેટા: હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલ્ટો અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે,જેના કારણે રવિ પાક જેવા કે ધાણા, ચણા, જીરું સહિતના પાકમાં ભયંકર રોગચાળો આવી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ઉભા પાકમાં ગરો, મોલો, મચ્છીગરો અને ચરમી જેવા વિવિધ રોગ આવી ગયા છે. જેને કારણે પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ઉત્પાદનમાં પચાસ ટકાનો ઘટાડો આવે એવી ચિંતા ખેડૂતોને સંતાવી રહી છે.ઉલ્લેખનીય છે કે,ઉપલેટા પંથકના ખેડૂતો છેલ્લા બે વર્ષથી હેરાન છે કયારેક કુદરતી આફત તો ક્યારેક માનવ સર્જિત.
લોકડાઉનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.લોકડાઉનને કારણે ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ ના મળ્યા અને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ઊભો પાક બળી ગયો.આમ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે રવિ પાકમાં આવેલ પુષ્કળ પ્રમાણમાં રોગને કારણે પાક વૃદ્ધિ કરતો નથી.પાક પીળો પડી ગયો છે અને જમીન જન્ય રોગને કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.