વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ અપાશે
અમદાવાદઃ વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ, સંપ, ટાંકા, ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્દવહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.
પહેલા ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તેને જ અલાયદુ કૃષિ વીજ જોડાણ આપતું હતું હવે તેમાં સુધારો કરી “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાંથી પણ ખેડૂત પાણી ઉદ્દવહન કરી શકશે. આ નિર્ણયને કારણે ભૂગર્ભજળ અને વીજબીલમાં પણ બચત થશે.