સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમો ભરતા ખેડુતોને પણ નુકસાનીના વળતર માટે ફાંફા મારવા પડે છે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ખેતી આધારિત છે. છેલ્લ ઘણા સમયથી જિલ્લાના કેટલાક તાલુકાઓને સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ ખેડુતોને મહદ અંશે રાહત થઈ છે. જિલ્લાના મોટાભાગના ખેડુતો પાક વિમો ભરે છે, પરંતુ કૂદરતી આફત બાદ ખેડુતોને નુકશાનીનું યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય કોઇ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે મુખ્ય વ્યવસાય ખેતી જ છે. અંદાજે 92 હજારથી વધુ ખેડૂતો ખેતી પર નિર્ભર છે, ત્યારે કુદરતી હોનારત કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિના સમયે ખેડૂતોને પાકનું વળતર મળે તે માટે વીમો લેતા હોય છે. જિલ્લાના ખેડૂતો અંદાજે 100 કરોડથી પણ વધુની રકમ વીમા પેટી ભરે છે. તેમ છતાં જ્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની વાત આવે ત્યારે હાથ અધ્ધર કરી દેવામાં આવતા હોવાની રજૂઆત સામાજિક કાર્યકર્તા ભરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક સમયે વરસાદ આધારિત ખેતી હતી. જો વરસાદ માપસર અને સમયસર પડે તો ખેડૂતો ખેતીમાંથી બે પૈસા રળતા હતા. પરંતુ વર્તમાન સમયે નર્મદાના નીર આવતા ખેડૂતો સારી રીતે ખેતી કરી રહ્યા છે. જિલ્લાના ખેડુતો કપાસ, જીરુ, એરંડા અને વરિયાળીનો પાક લેવામાં મોખરે છે. પરંતુ દર વર્ષે આવતા માવઠાને કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ચોમાસાના સમયમાં પણ તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા પાકના બિયારણ પણ બળી ગયા હતા.આ અંગે ભરતસિંહ ઝાલાએ રજૂઆત કરીને એવી વિગતો જણાવી હતી કે, જિલ્લામાં અંદાજે 92 હજારથી વધુ ખેડૂત પાક વીમાના રૂ.100 કરોડથી વધુની રકમ ભરી રહ્યા છે. પાકને જ્યારે પણ નુકસાન થાય ત્યારે ખેડૂતોને વીમાની રકમ ચૂકવવાની હોય છે. પરંતુ જ્યારે પણ જિલ્લામાં માવઠું થાય કે ભારે વરસાદ પડે ત્યારે જુદા જુદા નિયમો બતાવીને ખેડૂતોને વીમાની રકમ આપવામાં આવતી નથી. આથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. (file photo)