અમદાવાદઃ તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતા સરકાર સામે ખેડુતોમાં વ્યાપક અસંતોષની લાગણી ઊભી થઈ છે. ચોમાસાની સિઝન માથે ઝળુંબી રહી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે તેવા સમયે ફર્ટિલાઇઝર કંપ્નીઓએ ખાતરના ભાવમાં બેફામ વધારો કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કૃષિ પ્રધાન આર.સી.ફળદુને પત્ર પાઠવીને 7 દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કૃષિપ્રધાન આર.સી.ફળદુને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 19 ના રોજ ખેડૂતો પોતાના ખેતરે અને ઘરે ઉપવાસ કરશે આમ છતાં જો સરકાર કોઇ નક્કર કાર્યવાહી નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલનની ફરજ પડશે અને ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડશે કિસાન કોંગ્રેસે મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી તેના ઘરમાં ખાતર પાડયું છે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી હતી ત્યારે ભાવ વધારો કરાતા અને ખેડૂતોએ વિરોધ કરતા ચૂંટણી સમયે મત ગુમાવવાનો વારો ન આવે તે માટે આવો કોઈ ભાવ વધારો મંજૂર રાખવામાં નહીં આવે તેવા વચન આપીને ભાવ વધારો પાછો ઠેલયો.
ચૂંટણી પૂરી થયા બાદ એપ્રિલ માસમાં જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું અને ભાવવધારો પાછો ખેંચાશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમ થયું નથી અને મે મહિનામાં અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ પેદાશ ના ભાવમાં થયેલા વધારાને કારણે ખાતરમાં વધારો ભાવ વધારો કરવો પડ્યો છે એવો બચાવ કરવામાં આવે છે પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સાવ ભાંગી ગયા છે અને ખાતર નો ભાવ વધારો જો પાછો નહીં ખેંચાય તો ચોમાસાની આગામી સિઝનમાં વાવેતર કેમ કરવું અને ખાતરના પૈસા ક્યાંથી કાઢવા તે ખેડૂતો માટે મોટો પ્રશ્ન બની ગયો છે