Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા માટે હવે ખેડુતોને 10 કલાક વીજળી અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રથમ સારા વરસાદમાં મોટાભાગના ખેડુતોએ વાવેતર કરી દીધુ હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આગામી 7 જુલાઈથી ખેડૂતોને 8ને બદલે હવે 10 કલાક વીજળી મળશે.

રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે, રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે.

દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિક્સ પાકનું વાવેતર કરાય છે. રાજ્યમાં 10થી 15 દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી, એટલે કૂવાના તળ જેટલાં ઊંચા આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો સારું, નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે.

સારા ચોમાસાની આશા સાથે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 1588124 હેક્ટરના અંદાજ સામે 523253 હેક્ટરમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે. એટલે કે, અંદાજ સામે 32.94 ટકા વાવણી થઇ ચૂકી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ ખેંચાઇ રહ્યો છે. જેને કારણે આ સપ્તાહમાં વરસાદ ન થાય તો 3.76 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક બળી જવાની ચિંતા ખેડૂતોમાં ફેલાઇ છે.