રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આમગનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ખેડુતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના શ્રીગણેશ કરશે, જ્યારે કેટલાક ખેડુતો કે જેમની પાસે સિંચાઈની સુવિધા છે, બોર-કૂવામાં પુરતું પાણી છે તેવા ખેડુતોએ કપાસ અને મગફળીની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધા ધરાવતા ઘણા બધા ખેતરોમાં કપાસ અને મગફળીના બીજ રોપાઇ ચૂક્યાં છે. આગોતરા વાવેતરની કામગીરી પંદરેક દિવસ પૂર્વે ધીરે ધીરે શરૂ થઇ હતી. જોકે હવે એમાં વેગ આવતો જાય છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળી અર્ધા ફૂટની સાઇઝમાં આવી ગઇ છે. હવે વરસાદની સર્વત્ર રાહ છે. ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધુ અને મગફળીનું ઓછું થવાની સંભાવના છે. જોકે હાલ બન્ને સમાન જેવા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠ પંથક ઉપરાંત રાજકોટ જિલ્લામાં અને ગોહિવાડ પંથકમાં કેટલાક ખેડુતોએ ભીમ અગિયારસની રાહ જોયા વિના વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ખેડુતોના કહેવા મુજબ પખવાડિયાથી મગફળી અને કપાસનું ઓરવીને વાવેતર શરૂ થઇ ગયું છે. ડેમ, કેનાલ કે નદીના કાંઠાળ વિસ્તારોમાં પાણીની થોડી સગવડ છે ત્યાં ખેડૂતો પાક લેવા માંડ્યા છે. ડ્રીપથી પણ ઘણા ખેડૂતોએ વાવેતર કરી લીધું છે. આગોતરા વાવેતર સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાંછવાયા હશે પણ આશરે પખવાડિયા પહેલા જ વાવેતર શરૂ થઇ ગયા હતા. આવો વિસ્તાર હાલ પચ્ચાસ હજાર હેક્ટરની અંદર હશે. જોકે વરસાદના દિવસો નજીક આવશે તેમ ખેડૂતો ઓરવીને વાવેતર કરશે.
કૃષિ વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કપાસનું વાવેતર ઘટશે અને મગફળીનું વધશે એવી ધારણા છે. વરસાદ 15 જૂન પહેલા વરસાદ આવી જાય તો મગફળી ખેડૂતોની પસંદગી રહેશે. મોડું થાય તો કપાસનું જોખમ ખેડૂતો લેશે. અલબત્ત આ વર્ષે કપાસમાં ભાવનું આકર્ષણ વધારે હતું એટલે ગયા વર્ષ કરતા 15-20 ટકા વાવેતર વધી શકે છે. છતાં સઘળો આધાર વરસાદ ઉપર છે. બીજીબાજુ ગુલાબી ઇયળનો ઉપદ્રવ કપાસમાં થયા કરે છે. ખેડૂતો એનાથી થાક્યા છે. બીજી તરફ મજૂરો પણ ઇયળોને લીધે કપાસ વીણવા માટે જલ્દી રાજી થતા નથી. કારણકે કપાસ વીણવાનું કામ વજનમાં હોય છે. ઇયળને લીધે ઉતારો મળતો નથી એટલે ખેડૂતોને મજૂરીમાં પોસાણ થતું નહીં હોવાની ખેડુતોની બુમો સાંભળવા મળતી હોય છે..
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી કપાસનું વાવેતર સરેરાશ 25.50 લાખ હેક્ટર આસપાસ થતું હોવાનું કૃષિ વિભાગે નોંધ્યું છે. જોકે પાછલી ખરીફ સીઝનમાં 22.54 લાખ હેક્ટરમાં વાવેતર નોંધવામાં આવ્યું હતુ. પાછલા વર્ષથી 20 ટકા જેટલો વાવેતર વધારાનો અંદાજ છે. એ મૂકતા 26 લાખ હેક્ટર સુધી વાવેતરનો આંકડો પહોંચે તેવી ધારણા મૂકી શકાય. મગફળીનું સરેરાશ વાવેતર ત્રણ વર્ષથી 16.95 અર્થાત આશરે 17 લાખ હેક્ટર થાયછે. પાછલા વર્ષમાં 19.10 લાખ હેક્ટર વાવેતર હતુ. મગફળીનો વિસ્તાર કપાસને લીધે 10-15 ટકા ઘટે તો વાવેતર 17 લાખ હેક્ટર આસપાસ થાય તેવું અનુમાન પ્રાથમિક તબક્કે રાખી શકાય તેમ છે.