Site icon Revoi.in

મેઘરાજાના વહેલા આગમનના એંધાણના પગલે નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડુતોમાં ચિંતા

Social Share

નવસારીઃ ઉનાળાની અસહ્ય ગરમી અને દક્ષિણ ભારતમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વખતે મેઘરાજા થોડા વહેલા પધારે તેવી પણ શક્યતા છે. જો કે નવસારી પંથકમાં કેસર કેરીના બાગાયતી ખેડૂતોને ભય છે. કે આ વખતે મેઘરાજાની વહેલી પધરામણી થશે તો કેરીના પાક બગડવાની શક્યતા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરરૂપે વાતાવરણમાં ગરમીમાં વધારો થતાં બાગાયતી પાકોને આ વર્ષે માત્ર નુકસાન થયું છે. ત્યારે હજુ મોટા ભાગની કેરી ઝાડ પર છે, ત્યારે ચોમાસુ વહેલું શરૂ થશે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. કેરળમાં 25મી જૂને વરસાદની આગાહી થતાં દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના ખેડૂતો પોતાની ખેત પેદાશોના વેચાણને લઈને ચિંતામાં ગરકાવ થયા છે. હજુ સુધી માર્કેટમાં કેરીઓનું પૂરેપૂરું આગમન થયું નથી તેવામાં કમોસમી વરસાદ આવે તો કેરીનો પાક બગડી શકે તેમ છે. ચોમાસુ 25મી સુધીમાં કેરળમાં પ્રવેશ કરે તેવી આગાહી કરાઈ છે. નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રીતે 22મી મે સુધીમાં અંદમાન પહોંચતું હોય છે. પરંતુ આ વખતે તેણે 16મી મેના રોજ દસ્તક દેતાં ચોમાસાનું આગમન ધારણા કરતાં પણ વહેલા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હવામાન વિભાગની  કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતાં ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. ગત વર્ષની જેમ આ વર્ષે કેરીનો પાક મોડો ઉતરશે, તો બીજી તરફ આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી તેના ભાવ પણ આસમાને રહ્યા છે. તેવા સમયે મહત્તમ આંબા પર હજુ કેરીઓ તૈયાર પણ થઇ નથી. તેવામાં કમોસમી વરસાદ પડે તો કેરીનો વધ્યો-ઘટ્યો પાક પણ નાશ પામશે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના વર્તાઈ રહી છે.