Site icon Revoi.in

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે.

અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે, જેને કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડ્યા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતાં આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.