Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદથી ખેડુતો ચિંતિતઃ બનાસકાંઠાની હાલત સૌથી કફોડી

Social Share

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલી હોવાથી ખરીફ પાકનું વાવેતર સૂકાવા લાગ્યું છે. વરસાદ ખેંચાતા ડીસા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધી છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. પશુપાલન સાથે જોડાયેલા લોકોની હાલત પણ બદતર બની છે. ઘાસચારા માટે પણ ખેડૂતોને ફાંફા મારવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં માત્ર 37 ટકા જેટલો જ વરસાદ થતા હવે આફતના ઓળાં ઉતર્યા છે.

કૃષિ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ બનાસકાંઠામાં કુલ 5 લાખ 46 હજાર હેક્ટરમાં બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિતનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ફક્ત 28 ટકા જ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા ખૂબ ઓછો છે. હવે જો વરસાદ નહિ આવે તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના પાકોનો સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

બનાસકાંઠામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ વર્ષે નહિવત વરસાદ થતાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવો પણ મુશ્કેલ બન્યો છે. વરસાદે હાથતાળી આપતા ખેડૂતોના માથે સંકટ તોળાઇ રહ્યુ છે. ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે- ત્રણ સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48 ટકા ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.”

ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકા થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરા-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગત વર્ષે 16 ઓગસ્ટ સુધી 25.26 ઈંચ સાથે મોસમનો 77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે ગત વર્ષ કરતાં અડધાથી પણ ઓછો 37 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 39 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ હતો. જ્યારે આ વર્ષે 5 તાલુકા જ એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.