મોરબીઃ રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. જોકે પ્રથમ સામાન્ય વરસાદ બાદ હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે.ચોમાસું હજુ જામ્યું નથી. ત્યારે મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ ન થતા ડેમમાં હજુ નવા પાણીની આવક થઈ નથી જિલ્લાના 10 ડેમમાથી 28.15 ટકા જ પાણી વધ્યું છે. બીજી તરફ અમુક પંથકમાં કિસાનોએ આગોતરી વાવણી કરી લીધી છે અને સિંચાઇનું પાણી પુરું પાડતાં ડેમમાં હજુ આવક થઇ નથી.
મોરબી જિલ્લામાં ચોમાસાનું આગમન સમયસર થઈ ગયુ હતું. આ પહેલા તાઉતે વવાઝોડાના કારણે થયેલા વરસાદને પગલે મોટા ભાગના તાલુકામાં આગોતરું વાવેતર થઈ ચૂક્યું હતું. હવે એક સપ્તાહથી મોટા ભાગના જિલ્લામાં વરસાદ ખેંચાયો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.
હાલમાં કેનાલ થકી મચ્છુ 2 ડેમમાંથી મોરબી તાલુકાના ખેડૂતોને 3 ક્યુસેક તેમજ નર્મદા કેનાલમાંથી હળવદ અને માળિયા તાલુકાના સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના 10 ડેમમાં 10,815 ક્યુસેક પાણી સમય તેટલી સંગ્રહ ક્ષમતા છે, જેમાં 3044 ક્યુસેક પાણીનો જથ્થો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 28.15 ટકા જ રહ્યું છે.
મારબી જિલ્લાના અન્ય ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1માં 369 એમસીએફટી,મચ્છુ 3 ડેમમાં 262 એમસીએફટી,ડેમી 1 માં 137 એમસીએફટી, ડેમી 2માં 132એમસીએફટી,ઘોડાધોઈ 155 એમસીએફટી,બ્રહ્મણી ડેમ 734 એમસીએફટી,બ્રાહ્મણી 2માં 394 એમસીએફટી, ડેમી 3માં 16 એમસીએફટી નોંધાયેલ છે તો બંગાવડી ડેમમાં હાલ સંપૂર્ણ પણે ખાલી છે.
મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે જૂન મહિનામાં હજુ નવા પાણીની આવક થઈ નથી તેમજ આગામી સપ્તાહ દરમિયાન હજુ વરસાદની સંભવના ન હોવાથી પાણીની નવી આવક થવાની સંભાવના નથી. જિલ્લામાં બંગાવડી ડેમ સંપૂર્ણ પણે ખાલી પડ્યો છે. ડેમી 3 માં માત્ર 16 એમસી એફટી એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 4.78ટકા, મચ્છુ 1 માં 369 એમસીએફટી, ડેમી 1માં 134 એમસીએફટી, ડેમી 2માં 182 એમસીએફટી છે.
મોરબી જિલ્લામાં મોરબી તાલુકામાં સિંચાઇ માટે મચ્છુ 2 અને 3 ડેમ તેમજ હળવદમાં બ્રહ્મણી ડેમ 1 અને 2 માં હજુ પાણી પૂરતા પ્રમાણમાં છે. આ સિવાય નર્મદા કેનાલમાંથી પણ સિંચાઇનું પાણી મળી શકે છે. જો કે ટંકારા પંથકમાં ડેમી 1માં 17 ટકા અને 2 માં 24 ટકા જ પાણી છે. આગામી 10થી 15 દિવસ દરમિયાન વરસાદ ખેંચાય તો જમીનમાં ભેજ ઘટી શકે છે જેની અસર ચોમાસુ પાક પર થવાની સંભાવના છે.