પાલનપુરઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ રવિ સીઝન ચાલી રહી છે. જેમાં હાલ બટાટા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળી ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વાદળછાયાં વાતાવરણને લીધે જીરા સહિત અનેક પાકોમાં રોગ આવવાની શક્યતાઓને લઈ ખેડૂતોમાં ભય સતાવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલના સમયમાં ખેડૂતોને એરંડા ઘઉં રાયડો જીરુ સહિતના તૈયાર પાકોમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે જીવાત રોગ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જિલ્લામાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. જો માવઠુ થશે તો ખેડુતોને મોમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. જિલ્લાના ડીસા તાલુકામાં પણ બુધવારે સવારથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સૂરજ પણ વાદળોમાં ઢંકાઈ ગયો હતો. જેના કારણે ઉષ્ણતામાનમાં પણ આંશિક વધારો થયો હતો. મંગળવાર કરતા બુધવારે એક જ દિવસમાં તાપમાનમાં દોઢ ડિગ્રી જેટલો વધારો થતા સરેરાશ તાપમાન 15.6 ડિગ્રી જેટલુ નોંધાયું હતું.
વાદળછાયા વાતાવરણના કારણે ડીસા પંથકમાં ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે બટાટા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળી ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. માટે યોગ્ય વાતાવરણ બન્યું રહે તેવી ખેડૂતોએ કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે.