નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યાં છે બીજી તરફ ભાજપને પરાસ્ત કરવા માટે એકઠા થયેલા વિપક્ષ દળોનું ઈન્ડી સંગઠન તુટી રહ્યાંના ભણકારા વાગી રહ્યાં છે. નીતિશ કુમારે વિપક્ષનો સાથ છોડીને એનડીએ સાથે જોડાણ કરીને બિહારમાં સરકાર બનાવી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં બેઠકોની વહેંતીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં માત્ર એક જ બેઠક કોંગ્રેસને ફાળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાનો આમ આદમી પાર્ટીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ બધા વચ્ચે હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ પોતાના પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
કાશ્મીરમાં ચૂંટણીને લઈને ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ આશાવાદી છે કે ટૂંક સમયમાં ચૂંટણી થશે. જ્યાં સુધી સીટ વહેંચણીની વાત છે તો નેશનલ કોન્ફરન્સ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. તેના વિશે કોઈ શંકા નથી. ખેડૂતોના વિરોધ પર મામલે તેમણે જણાવ્યું હતું કે,જ્યારે ખેડૂતોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે વિપક્ષોએ તે બિલોની સમીક્ષા કરવા અથવા તેમાં સુધારો કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓ બહુમતીમાં બિલ લાવ્યા હતા, જેના કારણે 750 ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો. આજે ફરી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. સંસદીય ચૂંટણી નજીક હોવાથી, કેન્દ્ર શું પગલાં લેશે તે અમને ખબર નથી. પરંતુ તેમને આશા છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે.
ટાર્ગેટેડ કિલિંગ અંગે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘાટીમાં કામની શોધમાં આવેલા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા. EDના સમન્સ અંગે તેમણે કહ્યું કે તેઓ પોતે જ EDના નિશાના પર છે. તેમણે કહ્યું, ‘આના પર મારે શું કહેવું? મને પણ તાજેતરમાં બોલાવવામાં આવ્યો હતો અને હું તેના માટે ટૂંક સમયમાં જઈશ. તાજેતરમાં તેમણે સાઉદી અરેબિયામાં તેના પુત્ર ઓમર અબ્દુલ્લા સાથે ઉમરાહ (ધાર્મિક યાત્રા) કરી હતી. આ અંગે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ‘મેં અલ્લાહને પ્રાર્થના કરી કે અમારી સમસ્યાઓ ઓછી થાય અને કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. ઉપરાંત, પાકિસ્તાનના રાજકીય સંકટ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સ્થિર પાકિસ્તાન ભારત માટે યોગ્ય છે. પાકિસ્તાનમાં અસ્થિરતા આપણા દેશ માટે સારી નથી. તેથી અમને આશા છે કે ત્યાંની પરિસ્થિતિ બદલાશે.