- ફાસ્ટ ફૂડ અને ભારતીય ભોજન પર સંશોધન
- જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીમાં કરાયું સંશોધન
- દાળ-ભાત સૌથી શ્રેષ્ઠ ભોજન
નવી દિલ્હી : ભારતીય સંસ્કૃતિમાં ખાન-પાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં ભોજનને અન્ન દેવતા જેવું સમ્માન આપવામાં આવે છે. સંશોધકોએ હવે આનો વૈજ્ઞાનિક આધાર શોધી કાઢયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતીય ભોજનોમાં એવા ઘણાં ગુણો છૂપાયેલા છે, જે આનુવંશિક બીમારીઓને પણ મ્હાત આપી શકે છે. સંશોધનમાં પશ્ચિમી દેશોના પ્રચલિત ફાસ્ટ ફૂડથી આરોગ્ય પર પડનારી અશરો સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં ખુલાસો થયો છે કે દાળ-ભાત જેવા સાધારણ ભારતીય ભોજન ગુણોના ભંડાર છે. આ ભારતીય ભોજનોમાં ઘણી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા છે. એટલું જ નહીં, આ ભારતીય ભોજન આનુવંશિક બીમારીઓની સામે લડવામાં ઘણું અસરકારક છે. ગંભીર બીમારીઓ પર પડનારી ભારતીય ભોજન શૈલીની અસરને લઈને કરવામાં આવેલું આ પહેલું સંશોધન છે.
ગંભીર બીમારીઓના ડીએનએ જ જવાબદાર નથી
સંશોધકો પ્રમાણે, ગંભીર અથવા આનુવંશિક બીમારીઓ માટે માત્ર ડીએનએની ગડબડ જ જવાબદાર નથી. આપણી ભોજન શૈલી પણ આમા ઘણી મહત્વની ભૂમિકા ધરાવે છે. તેના કારણે બીમારીઓ પેદા થઈ શકે છે અને તેના પર લગામ પણ લગાવી શકાય છે. લ્યૂબેક યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિઝના નેતૃત્વમાં ત્રણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ સંશોધનને નેચર મેગેઝીનના તાજેતરના અભ્યાસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય ભોજન પર સંશોધન કરનાર રિસર્ચર્સની ટીમમાં રશિયાના ડૉ. અર્તેમ વોરોવયેવ, ઈઝરાયલના ડૉ. યાસ્કા શેજિન અને ભારતના ડૉ. તાન્યા ગુપ્તા સામેલ હતા.
રોગોથી લડે છે ભારતીય ભોજન
ભારતીય ભોજન અને પશ્ચિમી ભોજનો પર બે વર્ષ સુધી કરવામાં આવેલા સંશોધનથી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ફાસ્ટ ફૂડના ઉચ્ચ કેલરીવાળા આહાર આનુવંશિક બીમારીઓને વધારે છે. તેનાથી વિરુદ્ધ ભારતીય ભોજનમાં કેલરી ગણી ઓછી હોય છે, જે રોગો સામે લડવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. નેચર મેગેઝીનમાં પ્રકાશિત સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી તમામ આનુવંશિક રોગોની પાછળ માત્ર ડીએનએને જ જવાબદાર માનવામાં આવતા હતા, જે આપણને આપણા પૂર્વજો અથવા માતાપિતા પાસેથી મળે છે. આ સંશોધનમાં આ બીમારીઓને એવા ભોજન પર કેન્દ્રીત કરવામાં આવ્યા છે, જે રોજબરોજની જિંદગીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
બે વર્ષ સુધી ઉંદરો પર સંશોધન
બે વર્ષ સુધી ઉંદરો પર સંશોધન બાદ વૈજ્ઞાનિકો આ પરિણામ પર પહોંચ્યા છે. આ સંશોધન એક ખાસ પ્રકારના ઉંદર પર કરવામાં આવ્યું, જે લ્યૂપસ નામના રોગથી ગ્રસિત હતા. આવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે લ્યૂપસ રોગનો સીધો સંબંધ ડીએનએસ સાથે છે. લ્યૂપસ, ઓટોઈમ્યૂનને અસર કરનારા રોગોની શ્રેણીમાં આવે છે. તેમાં શરીરના પ્રતિરોધક તંત્ર પોતાના જ અંગો પર હુમલો કરવા લાગે છે. પરિણામે શરીરના વિભિન્ન અંગ જેવા જોઈન્ટ્સ, કિડની, હ્રદય, ફેંફસા, મગજ અને રક્તના નમૂના નષ્ટ થઈ જાય છે. તેની સાથે જ શરીરની વિભિન્ન પ્રણાલીઓ કામ કરવાનું બંધ કરી દે છે.
ઉંદરો પર થયેલા સંશોધનના પરિણામ
સંશોધકોએ ઉંદરોને બે સમૂહમાં વિભાજીત કર્યા હતા. તેમાથી એક સમૂહને પશ્ચિમી દેશોમાં વપરાતા વધુ સૂક્રોઝ ધરાવતા આહાર આપવામાં આવ્યો. ઉંદરોના બીજા જૂથે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતા લૉ કેલરી ફૂડ આપવામાં આવ્યા. વધુ સૂક્રોઝવાળા ભોજન ખાનરા ઉંદર લ્યૂપસ રોગની ઝપેટમાં આવી ગયા અને તેમની સ્થિતિ બગડી ગઈ. તો ભારતીય ભોજન ખાનારા ઉંદર લ્યૂપસ રોગની ઝપેટમાં આવવાથી બચી ગયા.
સંશોધક વૈજ્ઞાનિકો પ્રમાણે, અભ્યાસના પરિણામોથી સાબિત થાય છે કે પશ્ચિમી દેશોમાં ખોરાક તરીકે વાપરવામાં આવતા ફાસ્ટ ફૂડ જેવા કે પિત્ઝા, બર્ગર વગેરે આનુવંશિક રોગોને પ્રોત્સાહન આપે છે. તેનાથી વિરુદ્ધ ભારતના શાકાહારી ભોજનમાં સામેલ સ્ટાર્ચ, સોયાબીન ઓઈલ, દાળ, ચોખા, શાકભાજી વગેરેનો ઉપયોગ શરીરના રોગો સાથે લડવામાં મદદ કરે છે. તેમા પણ ભારતીય ભોજનમાં વાપરવામાં આવતી હળદરનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે, તે પ્રતિરોધક ક્ષમતાને વધારીને ઘણાં પ્રકારની બીમારીઓથી શરીરની સુરક્ષા કરે છે.