Site icon Revoi.in

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતના કોંગ્રેસી મહિલા સભ્ય પર જીવલેણ હુમલો

Social Share

સુરતઃ તાપી જિલ્લાના સોનગઢમાં  તાલુકા પંચાયતની મહિલા સભ્યને રાણીઆંબા રેલવે ફાટક પાસે બેરહેમીથી માર માર્યાનો બનાવ બન્યો હતો. સ્કૂટર પર જતી મહિલા ​​​​​સભ્યના વાળ કાપી, લાકડી અને હોકી સ્ટિકથી માર માર્યો હતો. આ ઘટનાને લઈ મહિલાની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. આ કોંગ્રેસની મહિલા સભ્ય પર બેરહેમીથી હુમલો કરનારી મહિલા સાથે પુરુષો પણ હતા. પોલીસે આ બનાવમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સોનગઢ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ગઈકાલે બપોરના અરસામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભામાં આવ્યા હતા, મહિલા સભ્ય સભા પૂરી થતાં પોતાની નાની દીકરી સાથે એક્ટિવા પર પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે એક ટોળું સોનગઢના બરડીપાડા રોડ પરના રાણીઆંબા ફાટક પાસે આ મહિલા સભ્યને ઘેરી વળ્યું હતું. આ ટોળામાં અનૈતિક સંબંધનો આરોપ મૂકનારી પત્ની, પુત્ર સહિતના આઠથી દસ જેટલા સભ્યો પૈકી કેટલાક હોકી, લાકડી સાથે આવ્યા હતા. અને અનૈતિક સંબંધનો આરોપ મૂકી જીવલેણ હુમલો કરાયો હતો. જો કે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલા સભ્યને વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. મહિલા સભ્યને એક હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  તાલુકા પંચાયતની મહિલા સભ્યને  ટોળાએ જાહેરમાં ધોલાઈ કરી વાળ કાપી કાઢ્યા હતા. હોકી, લાકડાં જેવાં હથિયારોથી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો. જાહેરમાં મારામારીનાં ફિલ્મી જેવાં દૃશ્યો સર્જાઇ રહ્યાં હતાં, પણ મહિલા સભ્યને બચાવવા કોઇ આગળ આવ્યું ન હતું. મહિલા સભ્યને લોહીલુહાણ હાલતમાં સોનગઢમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ મહિલાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. સોનગઢ પોલીસે શોભનાબેન લાલસિંગ ગામીત (રહે. કોસંબિયા વાલોડ), શોભનાબેનનો છોકરો તેમજ તેમની સાથે આવેલ અન્ય બે સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.