Site icon Revoi.in

કચ્છના માંડવીના બીચ પર દરિયામાં ડુબી જતાં પિતા-પૂત્રના મોત

Social Share

ભૂજઃ કચ્છમાં માંડવીના દરિયાઈ બીચ પર હાલ દિવાળીના વેકેશનને લીધે પ્રવાસીઓ આવી રહ્યા છે. બીચ પરથી દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક પ્રવાસીઓ દરિયામાં નહાવા માટે પડતા હોય છે. અને તેથી ઘણીવાર ડૂબી જવાના બનાવો બને છે. ત્યારે માંડવીના બીચ પર નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન દરિયાના મોજામાં ખેંચાઈ જવાથી બંનેના ડુબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

કચ્છના માંડવી શહેરનો રમણીય બીચ પ્રવાસીઓ માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે દરિયાના પાણીમાં નાહવાની મોજ માણતા લોકો આનંદના ઉન્માદમાં સંતુલન ગુમાવી દેતા મોતને ભેટતાં હોય છે. ભાઈબીજના સપરમાં દિવસે આજ પ્રકારે અંજારથી પરિવાર સાથે દરિયાની મોજ માણવા આવેલા  પિતા પુત્ર માટે દરિયો ઘાતક હતો. બનાવના પગલે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે, તો ઘટનાની ખબરથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના બીચ પર ભાઈબીજના દિને બપોરના 4 થી 4.30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં દરિયાના પાણીમાં નાહવા પડેલા પિતા અને પુત્ર ડૂબવા લાગ્યા હતા. જેમાં કિશોર ગંગાજી મહેશ્વરીને સ્થાનિક તરવૈયાઓએ પાણીમાંથી બહાર લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે અંદાજીત 12 વર્ષીય બાળક દરિયાના પાણીમાં ગરક થઈ જતા તેની સાંજ સુધી શોધખોળ હાથ ધરાઈ હતી. બનાવની જાણ થતાં વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. જોકે ઘટનામાં બન્ને પિતા પુત્રના મૃત્યુ થયા હતા. બન્ને હતભાગીના મતુતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં રાખાયા છે.