Site icon Revoi.in

પિતાની બાળકો માટેની કુરબાની, યોગદાન અને બાળકોના ભવિષ્ય માટે કરેલી મહેનતના સન્માનનો દિવસ એટલે કે – ફાધર્સ-ડે

Social Share

આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો કે, માતાપિતા, મિત્રો અને માર્ગદર્શકોના મહત્વને ઉજવવા માટે કોઈ ચોક્કસ તારીખ અથવા દિવસની જરૂર નથી. તેમ છતાં, દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 20 જૂને ત્રીજો રવિવાર હોવાથી પિતાનો દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પિતા અને તેના પ્રેમ અને બલિદાનને માન આપવા માટે સમર્પિત છે.

જીવનમાં જેટલું મહત્વ માતાનું છે તેટલું જ મહત્વ પિતાનું પણ છે. જેમ એક મા તેના બાળકના પાલન-પોષણ-પ્રગતિ માટે બલિદાન આપે છે તેવી જ રીતે એક પિતા પણ તેના બાળક માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દે છે. પણ અફસોસ એ વાતનો ઈતિહાસથી લઈ આજ સુધી જેટલા ગુણગાન માતાના ગાવામા આવ્યા છે, માતાનાં પ્રેમ, વાત્સલ્ય કે માતૃત્વની જેટલી નોંધ લેવામાં આવી છે તેટલી નોંધ પિતાએ આપેલા વ્હાલ, સમર્પણ, ત્યાગ કે પિતૃત્વની લેવામાં નથી આવી. જ્યારે પિતૃ સમર્પણની અનેક સત્યકથાઓ ઇતિહાસમાં બનેલી છે અને વર્તમાનમાં પણ આપણી આસપાસ બનતી હોય છે.

આપણા સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઈ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયું છે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે. પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યક્તિને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ…’માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.

તેઓ તેમના પરિવારોને સ્વસ્થ અને સુખી રાખવા માટે રાત-દિવસ મહેનત કરે છે, શું તમે જાણો છો, આપણે ફાધર્સ ડે કેમ મનાવીએ છીએ? ફાધર્સ ડે મનાવવાની શરૂઆત કેવી રીતે થઇ ? ફાધર્સ ડેની ઉજવણી ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી અથવા ફાધર્સ ડેનું શું મહત્વ છે?

ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત

વર્ષ 1909 માં સોનોરા સ્માર્ટ ડોડ નામની એક અમેરિકન યુવતીએ પિતાનું સન્માન કરવા માટે એક વિચાર પ્રસ્તાવ મૂક્યો. ઘણા સ્થાનિક પાદરીઓએ તે વિચાર સ્વીકાર્યો, અને 19 જૂન, 1910 ના રોજ સોનોરા સ્માર્ટ ડોડે દ્વારા વોશિંગ્ટનના સ્પોકેનમાં પ્રથમ ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો. 1930 માં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી ડોડે રાષ્ટ્રીય સ્તરે ઉત્સવને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.

1 મે, 1972 ના રોજ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ફાધર્સ ડેને રાષ્ટ્રીય રજા જાહેર કરી. પ્રથમ સત્તાવાર ફાધર્સ ડે સમારોહ 18 જૂન 1972 માં ઉજવવામાં આવ્યો હતો.

ફાધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે?

દુનિયાભરમાં લોકો ફાધર્સ ડે પિતાને આભાર માનવા, સન્માનિત કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના આ અવસરના રૂપમાં આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસે બાળકો તેમના પપ્પાને તેમની સૌથી પ્રખ્યાત ભેટ આપે છે અને તેને ખાસ મહેસૂસ કરાવવાની કોશિશ કરે છે.

જુદા-જુદા દેશોમાં જુદી-જુદી તારીખે ઉજવણી

ભારતમાં જૂનના ત્રીજા રવિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.પરંપરાગત રીતે સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો સેન્ટ જોસેફની યાદમાં 19 માર્ચે ફાધર્સ ડેની ઉજવણી કરે છે. તાઈવાનમાં ફાધર્સ ડેની ઉજવણી 8 ઓગસ્ટે કરવામાં આવે છે. થાઇલેન્ડમાં, 5 ડિસેમ્બર, ભૂતપૂર્વ રાજા ભૂમિબોલ અદુલ્યાદેજનો જન્મદિવસ ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.