રાજકોટઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા વનરાજો હવે રેવન્યું વિસ્તારમાં ધામા નાંખી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક પણ સિંહને માફક આવી ગયો છે. દરમિયાન ગોંડલ તાલુકાના ધરાળા ગામની સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા મારણ કરાતાં આજુબાજુના ગાંમડાના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંઙણે ગાયનું મારણ કર્યાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી નજીકના ધરાળા ગામની સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા ગાયનું મારણ કરવામાં આવતા ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સિંહના પંજાના નિશાન અને મૃત પશુને આધારે ઘટનાની તપાસ હાથ ધરી છે. સિંહણનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગોંડલ વિસ્તારમાં ઘણા સમયથી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. હાલ રવિ સીઝન ચાલતી હોવાથી ખેડુતો દિવસ દરમિયાન વાડી અને ખેતરોમાં કામ કરતા હોય છે. ત્યારે સિંહ પરિવારના આંટાફેરાથી ખેડુતો ભય અનુભવી રહ્યા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે સિંહ ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જો કે શિકારની શોધમાં ફરતા સિંહ પરિવાર દ્વારા પશુઓ પર હુમલાના બનાવો બનતા હોય છે. જો કે લોકો પર હુમલાનો બનાવ નોંધાયો નથી. છતાં સિંહ પરિવારનું લોકેશન મેળવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ માનવ વસતીથી દુર ખદેડવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, અમરેલીના રાજુલા વિસ્તારમાં તાજેતરમાં સિંહે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ દોડી જઈને સિંહણને પાંજરે પુરી હતી.