Site icon Revoi.in

સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાં પરિવારનો વસવાટ, સિહોરી માતાના મંદિરે જતાં લોકો ડરી રહ્યા છે

Social Share

ભાવનગરઃ  જિલ્લાના સિહોર નજીક આવેલા ડુંગરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા અને તેના પરિવારે તંબુ તાણ્યા છે અને સિહોરના રહેણાંકી વિસ્તારમાં આવી જતાં લોકોના ભયમાં વધારો થયો છે અને  દીપડા શહેરના પાદરમાં આવી જતાં હોવાથી નગરજનો ઘરની બહાર નીકળતાં પણ થથરે છે. તેમજ ડુંગર પર બીરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે જતાં ભાવિકો પણ ડર અનુભવી રહ્યા છે.

સિહોર શહેર એ તાલુકાનું મુખ્ય મથક છે. સિહોરની નજીક ડૂંગર આવેલો છે. ડુંગર પર સિહોરી માતાજીનું મંદિર આવેલુ છે. છેલ્લા કેટલાક દિવસથી દીપડાં સહિતના તેના પરિવારને ડુંગર વિસ્તાર ફાવી ગયો હોય તેમ ડુંગર પર ધામા નાંખ્યા છે. આ વિસ્તારમાં દીપડાને પશુઓનો શિકાર પણ આસાનીથી મળી રહેતો હોય છે. ડુંગર પર બે દીપડાના આંટાફેરાથી આ વિસ્તારના રહીશોમાં દીપડાનો ડર પેઠો છે. બુધવારે જૂના સિહોરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે દીપડાએ દેખા દીધા હતા. બાદમાં ગુરૂવારે સવારે વિકળિયા ઢાળમાં એક રહેણાંકી મકાનની નજીક  દીપડા દેખાયા હતા. સિહોરમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના પરિવારે સિહોરના ડુંગર વિસ્તારને પોતાનું નિવાસ સ્થાન બનાવી દીધુ છે. સિહોરી માતાના મંદિરની  આસપાસના ડુંગર પાસે દીપડા પરિવારના ધામાથી આબાલવૃદ્ધ સૌ કોઇ ભયનો અનુભવ કરી રહ્યા છે. વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પણ ફફડી રહયા છે. સિહોર પંથકમાં વધતાં આંટાફેરાથી આ દીપડા કોઇ જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ કવાયત હાથ ધરે તેવી માંગ પ્રબળ બનતી જાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લાના જેસર તાલુકાના બેડા તથા વીરપુર ગામમાં બે દિવસ પહેલા ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરનારી સિંહણને પાંજરે પુરવામાં આવી છે.  વન વિભાગ દ્વારા  મોડી રાત્રે વિરપુર ડેમ નજીક  સિંહણને બેભાન કરીને પાંજરે પુરવામાં આવી હતી. ત્યારબાદ  સિંહણને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી છે તેમ સ્થાનિક વન વિભાગના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરનારી સિંહણ આખરે પાંજરે પુરાતા બેડા તથા વિરપુર ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો