- ઈમરાનખાનની સરકારનું કાઉન્ટડાઉન શરૂ
- પાકિસ્તાની સેનાની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ
- જનરલ બાજવાએ રજાઓ રદ્દ કરવાના આપ્યા આદેશ
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના તખ્તાપલટની આશંકા છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના આદેશ પર અહીંની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ કરવામાં આવી છે.
જાણકારો માને છે કે પાકિસ્તાનમાં 111 બ્રિગેડનો જ ઉપયોગ હંમેશાથી તખ્તાપલટ કરવામાં કરાઈ રહ્યો છે. સૂત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા કારોબારીઓની સાથે ગુપ્ત બેઠક પણ કરી છે. આ બંને ઘટનાક્રમોને જોતા પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જાણકારોનું માનવું છે કે અહીં મહત્વની વાત એ છે કે ઈમરાન ખાનની સરકાર દેશમાં વ્યાપ્ત ગરીબીને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. સીમા પારથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના પર ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ ઈમરાન ખાન સંપૂર્ણ દુનિયામાં એક્સપોઝ થઈ ચુક્યા છે. આ તમામ પાસા એ વાત તરફ ઈશારો કરે છે કે સેના ફરીથી દેશની સત્તા પોતાના હાથમાં લે તેવી શક્યતા છે.
પહેલી વખત-
પહેલીવાર પાકિસ્તાનમાં 1958માં સેનાએ તખ્તાપલટ કર્યો હતો. પાકિસ્તાનના પહેલા રાષ્ટ્રપ્રમુખ મેજર જનરલ ઈસકંદર મિર્ઝાએ પાકિસ્તાનની સંસદ અને વડાપ્રધાન ફિરોઝ ખાન નૂનની સરકારને ભંગ કરી દેવામાં આવી હતી. તે સમયે દેશમાં માર્શલ લૉ લાગુ કરી આર્મી કમાન્ડર ઈન ચીફ જનરલ અયૂબ ખાને દેશની બાગડોર સોંપી દીધી હતી. 13 દિવસ બાદ જ અયૂબ ખાને તખ્તાપલટ કરીને મેજર જનરલ ઈસકંદર મિર્ઝાના રાષ્ટ્રપ્રમુખને પદ પરથી હટાવ્યા હતા.
બીજી વખત-
1971માં ભારતના હાથે યુદ્ધમાં કારમી હાર અને બાંગ્લાદેશના નિર્માણથી પાકિસ્તાનમાં અસંતોષનો ભાવ પેદા થયો હતો. આનો ફાયદો ઉઠાવતા તત્કાલિન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ ઝીયા ઉલ હકે 4 જૂન-1977ના રોજ દેશના તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરીને તખ્તાપલટ કર્યો હતો. તેના પછી જનરલ ઝીયા ઉલ હકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ત્રીજી વખત-
વર્ષ 1999માં કારગીલમાં ભારતના હાથે યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે નવાઝ શરીફની સરકારને હટાવીને તખ્તાપલટ કર્યો હતો. નવાઝ શરીફ શ્રીલંકાની મુલાકાતે હતા, ત્યારે જનરલ મુશર્રફના ઈશારે તખ્તાપલટ કરવામાં આવ્યો હતો. બાદમાં 12 ઓક્ટોબર-1999ના રોજ તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પ્રધાનોની ધરપકડ કરવામાં આવી હતી.