Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં મંડાનો રોગચાળાથી પાક નિષ્ફળ જવાની દહેશત

Social Share

અમરેલીઃ રાજ્યમાં આ વખતે ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખરીફ પાકનો સારો એવો ઉતારો આવે તેવી શક્યતાથી ખેડુતોમાં ખૂશી છે. ત્યારે અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં આવેલા રોગચાળાને લીધે ખેડુતોના મોંમા આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે. જિલ્લાના બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોની  કફોડી હાલત થઈ છે સારો વરસાદ થતા તેમણે બહોળા વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ મગફળીના પાકમાં મુંડા નામનો રોગ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યો છે અને મગફળીના પાકમાં  મુંડા  નામનો રોગના કારણે પાક નિષ્ફળ  જઈ રહ્યો છે. મુંડા નામનો રોગ આવતા જ મગફળીના છોડ સૂકાઈ રહ્યા છે છોડનો વિકાસ ન થતા પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘીદાટ દવાના છંટકાવ બાદ પણ રોગ કાબુમાં નથી આવતો. અને મગફળીના પાક માટે બિયારણ, નિંદણ તેમજ જંતુનાશક દવા પાછળ ખેડૂતોને મોટો ખર્ચ થતાં આર્થિક ફટકો પણ પડ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠ પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામના રોચાળા બાદ અમરેલી જિલ્લામાં પણ મગફળીના પાકમાં મુંડા નામનો રોગચાળો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ મુંડા નામના રોગને કારણે  મગફળીનો પાક બગડ્યો છે. ખેડૂતોએ જૂન જૂલાઇમાં 1200 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં રોગ દેખાતા મગફળી અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેમકે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે હવે નવી વાવણીની પણ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ખેડૂતોએ રાજકીય આગેવાનો પાસે આ અંગે ઘણી રજૂઆત કરી છે. હવે તેઓ માગ કરી રહ્યા છે કે તેમની નુક્સાનીનો સર્વે થાય અને તેમને કંઇક સહાય મળે જેથી ખેડૂતો નુક્સાનીમાંથી બેઠા થઈ શકે.

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ અમરેલી આસપાસનો વિસ્તાર મગફળીના વિપુલ વાવેતર માટે પ્રખ્યાત છે. આખા ગુજરાતમાં અહી સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોની આર્થિક રોજગારી પણ તેની ઉપર ટકેલી હોય છે પરંતુ આ વર્ષે વધારે વરસાદ અને મગફળીના પાકમાં આ રોગ દેખાતા ખેડૂતોનો ખર્ચો માથે પડ્યો છે. ખેડૂતોએ  જણાવ્યું હતું કે તેઓ ગત વર્ષે તાઉતે વાવાઝોડાને કારણે  નુકસાનનો ભોગ બન્યા હતા અને આ વખતે મુંડા નામના રોગે પાયમાલ કર્યા છે.