ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે સારા વરસાદને કારણે નદી-નાળા છલકાય ગયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાળા, વલ્લભીપુર સહિત કેટલાક તાલુકામાં સતત વરસાદને લીધે કૃષિપાકને નુકશાનની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ઉમરાળા અને વલ્લભીપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે જ્યારે મહુવામાં પાંચ ઇંચ, ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં કુલ વરસાદ 537 મી.મી. નોંધાયો છે. જિલ્લામાં તળાજા, પાલિતાણા અને સિહોરમાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ વરસી પડ્યો છે. સતત વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે વલ્લભીપુર શહેર- તાલુકા, પાટણા ગામ તેમજ આજુબાજુના ગામડાંઓમાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણા ગામનાં વિસ્તારમાં પાણી પાણી નજર આવી રહ્યું છે.આ સિઝનમાં સતત વરસાદને લીધે લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ છે.
આ સિઝનમાં અંદાઝે 693 મી.મી. વરસાદ વરસ્યો છે. વલભીપુર અને ઉમરાળામાં ભારે વરસાદને લીધે ઘેલો અને કાળુભાર નદીઓ બે કાંઠે આવતા ખેતરો બેટમાં ફેરવાયા છે. વલ્લભીપુર અને ઉમરાળા તાલુકા ભારે વરસાદ પડતા બન્ને તાલુકામાં છ કલાકમાં છ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનુ નિર્માણ ઉભુ થયુ છે. ઘેલો અને કાળુભાર નદીઓમા ઘોડાપુર આવ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાતા સર્વત્ર પાણી પાણી દ્રશ્ય થઈ રહ્યુ છે.
મહુવામાં બપોર બાદ સાંબેલા ધારે વરસાદ શરૂ થતા રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતુ થતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તાલુકામાં 120 મીમી(5 ઇંચ) વરસાદ વરસતા મૌસમનો કુલ વરસાદ 852 મીમી(34 ઇંચ) થવા જાય છે. ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. શહેરના વાસીતળાવ, પરશીવલપરા, હોસ્પિટલ રોડ, તેમજ અનેક નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ, ટુ વ્હીલર, મોટર સાયકલ ચાલકો તેમજ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તળાજા તાલુકાના પીથલપુર ગામે અતિ ભારે વરસાદ પડવાને કારણે દુકાનો અને ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં તળાવ જેવા થઇ ગયા છે. પીથલપુરથી જુના રાજપરા જવાનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે.