અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા જ પક્ષાંતરની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ટિકિટ મળવાની આશાએ જોડાઈ રહ્યા છે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યામાં મોટો ઊભરો આવશે એ નક્કી છે. ભાજપના ઘણાબધા કાર્યકર્તાઓએ ટિકિટ મેળવવા માટે પોતાના સંઘ અને ભાજપના ગોડફાધરોનો સંપર્ક વધારી દીધો છે. ગુજરાત એ ભાજપની પ્રયોગશાળા ગણાય છે. ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે તો મોટાભાગના સીટિંગ ધારાસભ્યોને ટિકિટ મળશે નહીં. એટલે ભાજપના ધારાસભ્યોને પણ ટીકિટ કપાવવાનો ડર લાગી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિજય રૂપાણી સરકારનું આખુ યે મંત્રી મંડળ બદલવામાં આવ્યું હતું એકપણ મંત્રીને નો -રિપિટ કરીને ભાજપે દાખલો બેસાડ્યો છે. શિસ્તબધ્ધ કેડર હોવાનું સાબીત કરી બતાવ્યું છે. હવે આગમી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા નો-રિપિટ થિયરી અપનાવવામાં આવશે. તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ચૂંટણી વહેલી થશે તેવી રાજકીય અટકળો વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી છે. જેમાં પક્ષના ધારાસભ્યોની મત વિસ્તાર પર કેવી પક્કડ છે તે અંગે સર્વે હાથ ધરવાની કામગીરી આરંભી દીધી છે. આ સર્વેમાં મતદારોમાં ધારાસભ્ય પ્રત્યેનું કેવું વલણ છે, અને તેની વિધાનસભાની ચૂંટણી પર કેવી અસર થશે તે અંગેની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આ સર્વેમાં મતદારોને ચૂંટણી પછી કેવી તકલીફ પડી અને તેમની શું માગણીઓ રહી છે તેનો પણ અભ્યાસ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, ભાજપના સીટિંગ ધારાસભ્યોની તેમના વિસ્તારમાં લોક ચાહના કેવી છે. તેમનાથી તેમના ક્ષેત્રમાં શું ફાયદો થયો અને કેવા પ્રકારના કામ બાકી રહી ગયા તેની વિગતો સર્વે દ્વારા મેળવવામાં આવશે. આ સર્વે માટે ભાજપ દ્વારા એ જ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો છે કે જેના દ્વારા પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહેલા આ સર્વેમાં સ્થાનિક મુદ્દાઓ, 1થી 10ના માપમાં પાર્ટીની કામગીરી અને જ્ઞાતિ પરિબળો સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે. વિસ્તૃત સર્વે રિપોર્ટ આગામી થોડા દિવસોમાં તૈયાર થઈ જશે અને ભાજપના હાઈ કમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપના ધારાસભ્યોની તેમના વિસ્તારમાં કેવી શાખ છે તે જાણવા માટે સર્વે કરાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારોના પ્રાથમિક સર્વે પછી રેગ્યુલર સર્વે પણ કરવામાં આવશે, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોની જેમ જ અહીં ચૂંટણી આવે ત્યાં સુધી સમયાંતરે સર્વે કરવામાં આવશે. આ સાથે રાજ્ય સરકારે સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર કઈ રીતે કામગીરી કરી અને મતદારોની શું આશા છે તેનું લિસ્ટ તૈયાર કરાશે.