અમદાવાદઃ અરબી મહાસાગરમાં કોમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલા બાદ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળ પણ આ ઘટનાને પગલે એલર્ટ થઈ ગયું છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયાકાંઠાથી 217 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં વેપારી જહાજ એમવી કેમ પ્લુટોમાં ડ્રોન હુમલાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ જહાજ ઈઝરાયેલનું હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે ભારતના વેરાવળ નજીક એક વેપારી જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતીય સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જહાજ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું અને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલુરુ જઈ રહ્યું હતું. આગ બુઝાવી દેવામાં આવી છે. તેમણે એ પણ માહિતી આપી કે, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવ્યું છે. તેમજ આસપાસના વિસ્તારમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર અરબી સમુદ્રમાં વેપારી જહાજ એમવી કેમ પ્લુટો તરફ આગળ વધી રહ્યા છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ICGS વિક્રમને ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ પર તૈનાત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જહાજના તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આમાં લગભગ 20 ભારતીયો પણ સામેલ છે. ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને મદદ પૂરી પાડવા માટે એલર્ટ કરી દીધા છે.