Site icon Revoi.in

રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત

Social Share

અમદાવાદ:  ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં  તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.  માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ વધશે. મહેસાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ તમામ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની ચેતવણી આપી છે. જેમાં જીરુંના પાકમાં કાળિયાનો રોગ થવાની શક્યતા સહિત વરિયાળીના ચરમી અને સાકરિયોનો રોગ થવાની શક્યતા અને ઈસબગુલમા મોલો મચ્છીનો રોગ થવાની શક્યતા બટાટામા સુકારા, રાઈમાં ભૂકી છારો અને મોલો રોગની શક્યતાઓ વધી છે. આ તમામ રોગ આગામી ત્રણ દિવસમાં દેખા દેવાની વાત કૃષિ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.

છેલ્લા ઘણા સમયથી ઋતુ ચક્ર જાણે કે ફરી ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે . હવામાન વિભાગ દ્વારા તા 5 થી 7 સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ચોમાસા જેવુ વાતાવરણ થઈ ગયું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જેથી મોરબી જિલ્લામાં રવિ પાક લેવા માટે જે ખેડૂત દ્વારા તેના ખેતરોમાં જુદાજુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં મોટાપાયે નુકશાન થયું હતુ.

ખેડૂતોના કહેવા પ્રમાણે, ખાસ કરીને આ કમોસમી વરસાદના છાંટાને લીધે ચણાના પાકમાં જે ખારસ આવી હોય તે જતી રહી છે અને મોલ પણ ખરી ગયો છે. જેથી કરીને પાકમાં નુકસાન થશે. તેવી જ રીતે જીરૂ અને લસણમાં વધુ પડતી ઠંડી અને કમોસમી વરસાદના છાંટાના લીધે નુકસાન થશે. આવામાં પાકનું ઉત્પાદન પણ ઘટશે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે.